કોટક મહિન્દ્રા બેંકે ગુરુવારે અનૂપ કુમાર સાહાની નવા મેનેજિંગ ડિરેક્ટર (MD) અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિમણૂક કરી છે. તેઓ 1 જાન્યુઆરી 2027થી આ પદ સંભાળશે અને તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.
હાલમાં સાહા કોટક મહિન્દ્રા બેંકમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની પાસે 32 વર્ષથી વધુનો અનુભવ છે, જેમાં બેંકિંગ અને નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓમાં 25 વર્ષનો અનુભવ સામેલ છે.
સાહા જાન્યુઆરી 2026માં કોટક મહિન્દ્રા બેંક સાથે જોડાયા હતા. માર્ચ 2026થી તેઓ ડિરેક્ટર તરીકે બેંકના સમગ્ર રિટેલ બેંકિંગ, સરકારી વ્યવસાય, ડેટા એનાલિટિક્સ અને માર્કેટિંગ વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે.
આ પહેલાં સાહાએ 2017થી જાન્યુઆરી 2026 સુધી બજાજ ફાઇનાન્સ લિમિટેડમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું હતું. તેમણે પ્રેસિડેન્ટ-કન્ઝ્યુમર ફાઇનાન્સ તરીકે શરૂઆત કરી હતી અને ત્યારબાદ ડેપ્યુટી CEO-કન્ઝ્યુમર, MSME, માર્કેટિંગ, ઓપરેશન્સ એન્ડ સર્વિસ તથા ડિજિટલ પ્લેટફોર્મ જેવા પદો સંભાળ્યા હતા.
તેઓ બજાજ ફાઇનાન્સમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પણ રહ્યા હતા. એપ્રિલ 2025થી જુલાઈ 2025 સુધી તેમણે બજાજ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે ફરજ બજાવી હતી. જુલાઈ 2025માં તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું.