મુંબઈ: સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. આ દરમિયાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયામાં પણ કૃષ્ણ જન્માષ્ટમીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ સમારોહના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
એન્ટિલિયાને ખાસ શણગારવામાં આવ્યું હતું. આકર્ષક સજાવટ, ફૂલોથી શણગારેલી કૃષ્ણની ઝાંખી, નકશીકામ કરેલો ચાંદીનો ઝૂલો અને પરંપરાગત શણગારથી સમગ્ર પરિસરનું રૂપ બદલાઈ ગયું હતું. બાલગોપાલ માટે ભરતકામવાળો ચાંદીનો ઝૂલો શણગારવામાં આવ્યો હતો અને તેમાં નાના કાન્હાની મૂર્તિ વિરાજમાન કરવામાં આવી હતી.
આ અવસર માટે નીતા અંબાણીએ પરંપરાગત ગુજરાતી પોશાક પસંદ કર્યો હતો. તેઓ 'માતા યશોદે' તરીકે સજ્જ થયા હતા. એક્વા-બ્લૂ રંગની બાંધણી સાડી, તેના પર નાજુક ઝરદોઝી કામ, ગુલાબી ફૂલોનો ગજરો અને હીરાના દાગીનાથી તેઓ ખૂબ જ આકર્ષક લાગી રહ્યા હતા.
ઝૂલાની પાછળ કમળના ફૂલો પર બેઠેલા કૃષ્ણનું મોઝેક ચિત્ર (Mosaic Drawing) બનાવવામાં આવ્યું હતું. વિવિધ રંગોના નાના ટુકડાઓથી બનેલી આ કલાકૃતિએ પૂજા સ્થળની સુંદરતામાં વધુ ઉમેરો કર્યો. ફૂલોની માળા, આકર્ષક તોરણ, મોતી અને રંગબેરંગી દોરાથી બનેલી સજાવટ આંખને આકર્ષિત કરતી હતી.
ફૂલોથી શણગારેલા માખણના વાસણો, ગોમાતાની છબી અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિએ સમગ્ર શણગારમાં કાન્હાના બાળપણનો સુંદર અનુભવ કરાવ્યો. આ સમગ્ર લુકમાં નીતા અંબાણીની ભગવાન કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ સ્પષ્ટપણે જોવા મળતી હતી.