સત્ય. સાહસ. સંકલ્પ.

AI દ્વારા ઘાતક હથિયાર બનાવવાના પ્રયાસો: એન્થ્રોપિકના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

AI દ્વારા ઘાતક હથિયાર બનાવવાના પ્રયાસો: એન્થ્રોપિકના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની એન્થ્રોપિકે (Anthropic) એક મહત્ત્વપૂર્ણ રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વના કેટલાક દેશો અને આતંકવાદી જૂથો AIનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કંપની દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા 154 પાનાના રિપોર્ટ અનુસાર, ઈરાન સમર્થિત યમનના હૂથી વિદ્રોહીઓએ ગાઈડેડ મિસાઈલો માટે સોફ્ટવેર બનાવવા એન્થ્રોપિકના AI ચેટબોટ ક્લૉડ (Claude)નો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો.

રિપોર્ટ મુજબ, યમન સ્થિત એક જૂથે Claude Codeનો દુરુપયોગ કરીને ગાઈડેડ રોકેટ અને અન્ય મિસાઈલ પ્રોગ્રામ માટે ગાઇડન્સ, નેવિગેશન અને સોફ્ટવેર કોડિંગ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રિપોર્ટમાં જૂથનું સીધું નામ આપવામાં આવ્યું નથી, પરંતુ સંકેતો દર્શાવે છે કે આ ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓ હોઈ શકે છે, જેમની પાસે મિસાઈલ અને ડ્રોનનો મોટો જથ્થો છે.

વધુમાં, રિપોર્ટમાં જણાવાયું છે કે કેટલાક દેશોની સરકારો અને જૂથોએ Claudeની મદદથી માસ સર્વેલન્સ (મોટા પાયે જાસૂસી) અને ખતરનાક જૈવિક હથિયારો (બાયોવેપન્સ) બનાવવાનો પ્રયાસ કર્યો હતો. એન્થ્રોપિકે ડિસેમ્બર 2025 થી ઓગસ્ટ 2026 દરમિયાન ગુનાહિત જૂથો, હેકર્સ અને જાસૂસી નેટવર્ક દ્વારા કરવામાં આવેલા આવા અનેક નિષ્ફળ પ્રયાસોનો ઉલ્લેખ કર્યો છે.

આ રિપોર્ટ AI ટેકનોલોજીના દુરુપયોગ અંગે વૈશ્વિક ચિંતા વધારે છે, જ્યાં ઘાતક હથિયારો અને જાસૂસી પ્રવૃત્તિઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.