સત્ય. સાહસ. સંકલ્પ.

એન્ટાર્કટિકામાં બરફ સર્જન વધ્યું, છતાં ૪૪ વર્ષમાં ૧૧,૩૦૯ અબજ ટન બરફ ઓછો

એન્ટાર્કટિકામાં બરફ સર્જન વધ્યું, છતાં ૪૪ વર્ષમાં ૧૧,૩૦૯ અબજ ટન બરફ ઓછો

એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડમાં ૧૯૭૯ થી ૨૦૨૩ દરમિયાન ૧૧,૩૦૯ અબજ ટન બરફ ઓછો થયો છે. નાસા અને નોર્થુમ્બ્રિયા યુનિવર્સિટીના સંશોધન મુજબ, આના કારણે સમુદ્રની સપાટી ૩૧.૪ મિલીમીટર વધી છે, જે દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક છે. જોકે, એન્ટાર્કટિકામાં બરફ સર્જન વધ્યાના પણ સંકેતો છે.

મુંબઈ: પૃથ્વીના સૌથી ઠંડા પ્રદેશો એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડમાં છેલ્લાં ૪૪ વર્ષ (૧૯૭૯–૨૦૨૩) દરમિયાન ૧૧,૩૦૯ અબજ ટન બરફ ઓછો થયો છે. આટલો બરફ સમુદ્રમાં ભળી જવાથી સમુદ્રની સપાટી ૩૧.૪ મિલીમીટર વધી છે. આ માહિતી નાસા અને બ્રિટનની નોર્થુમ્બ્રિયા યુનિવર્સિટીના સંયુક્ત સંશોધનમાંથી મળી છે, જે ‘આઇસ શીટ માસ બેલેન્સ ઇન્ટરકમ્પેરિઝન એક્સરસાઇઝ (આઇએમબીઆઇઇ)’ હેઠળ થયું છે અને ‘સાયન્ટિફિક ડેટા’ મેગેઝીનમાં પ્રકાશિત થયું છે.

સંશોધનમાં ૨૭ દેશોના સેટેલાઇટના ફોટા તપાસવામાં આવ્યા છે. તેમાં જણાયું છે કે ગ્રીનલેન્ડમાં ૬,૨૧૫ અબજ ટન અને એન્ટાર્કટિકામાં ૪,૭૮૦ અબજ ટન બરફ ઓછો થયો. આ બરફ સમુદ્રમાં જવાથી ગ્રીનલેન્ડમાં સમુદ્રની સપાટી ૧૮.૧ મિલીમીટર અને એન્ટાર્કટિકામાં ૧૩.૩ મિલીમીટર વધી છે. ઓછા થયેલા બરફમાંથી ૮૪ ટકા બરફ સમુદ્રના વધેલા તાપમાનને કારણે પીગળીને પાણીમાં ભળી ગયો છે. આ બરફ હિમનદીનો હતો, જ્યારે ૧૬ ટકા બરફ જમીન પરનો હતો.

આઇએમબીઆઇઇના સ્થાપક અને નોર્થુમ્બ્રિયા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ જિયોગ્રાફી એન્ડ નેચરલ સાયન્સના વડા એન્ડ્રુ શેફર્ડે કહ્યું છે કે, “સમુદ્રની સપાટીમાં ૩૧.૪ મિલીમીટરનો વધારો સામાન્ય લાગે, પણ દરિયાકાંઠે વસતા ૬૦ લાખથી ૯૦ લાખ લોકોના જીવન માટે તે મોટો ખતરો છે. ભવિષ્યમાં બરફ પીગળવાની ગતિ વધે તેવી શક્યતા છે, તેથી લાખો નાગરિકોના રક્ષણની યોગ્ય વ્યવસ્થા વિચારવી જરૂરી છે.”

બીજી બાજુ, ભારતીય ભૂચુંબકીય સંસ્થાન (આઇઆઇજી, નવી મુંબઈ)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક (નિવૃત્ત) અજય ધરે ‘ગુજરાત સમાચાર’ને જણાવ્યું છે કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં એન્ટાર્કટિકામાં બરફ બનવાની કુદરતી પ્રક્રિયા વધી છે અને બરફની તરતી છાજલી (આઇસ શેલ્ફ) તૂટવાની ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે અગાઉ ગરમી વધવાથી બરફ પીગળવાની ઘટનાઓ વધી હતી, પણ હાલ સુધારો જોવા મળે છે. અજય ધરે ભારતના એન્ટાર્કટિકા કેન્દ્ર ‘ભારતી’માં ૧૨ વખત સંશોધન માટે ગયા છે. ભારતના એન્ટાર્કટિકામાં ‘ભારતી’ અને ‘મૈત્રી’ એમ બે સંશોધન કેન્દ્રો છે.

નોર્થુમ્બ્રિયા યુનિવર્સિટીના અભ્યાસમાં ૨૭ સેટેલાઇટની છબીઓનો ઉપયોગ થયો છે. સેટેલાઇટ છબીઓ અને જમીન પરના અભ્યાસમાં ઘણો તફાવત હોય છે; જમીન પરનો અભ્યાસ વધુ સચોટ માહિતી આપે છે. છતાં, પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. હિમાલય સહિત યુરોપની બરફીલી ચોટીઓ પર પણ તેની અસર થઈ રહી છે.