સત્ય. સાહસ. સંકલ્પ.

20 કિમીની અંદર રહેતા વાહનચાલકો માટે રાહત: 1 નવેમ્બરથી શરૂ થશે નવો એન્યુઅલ ટોલ પાસ, વાર્ષિક રૂ. 1,500થી 3,000

20 કિમીની અંદર રહેતા વાહનચાલકો માટે રાહત: 1 નવેમ્બરથી શરૂ થશે નવો એન્યુઅલ ટોલ પાસ, વાર્ષિક રૂ. 1,500થી 3,000

નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના દાયરામાં રહેતા સ્થાનિક વાહનચાલકો માટે કેન્દ્ર સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. 1 નવેમ્બર 2026થી નવો 'એન્યુઅલ ટોલ પાસ' અમલમાં આવશે, જેનાથી સ્થાનિક લોકોને ટોલ ટેક્સમાં વાર્ષિક ધોરણે ભારે બચત થશે.

આ યોજના હેઠળ પાસની કિંમત વાર્ષિક રૂ. 1,500થી રૂ. 3,000 સુધીની રહેશે. ટોલ પ્લાઝા નગરપાલિકા કે શહેરની હદની બહાર હોય તો પાસ રૂ. 1,500માં મળશે, જ્યારે ટોલ પ્લાઝા શહેરની હદમાં આવતો હોય તો વાર્ષિક રૂ. 3,000 ચૂકવવા પડશે.

આ પાસનો લાભ ફક્ત ખાનગી વાહન માલિકોને જ મળશે. તેમની પાસે ચાલુ અને માન્ય FASTag હોવું જરૂરી છે. વધુમાં, આ પાસ ફક્ત ચોક્કસ ટોલ પ્લાઝા પર જ માન્ય રહેશે, દરેક ટોલ પ્લાઝા પર નહીં.

આ યોજના એવા નેશનલ હાઈવે કે એક્સપ્રેસવે પર લાગુ નહીં થાય જે 'ક્લોઝ્ડ યુઝર ફી કલેક્શન સિસ્ટમ' હેઠળ ચાલે છે. ઉપરાંત, જે ટોલ પ્લાઝા નજીક સર્વિસ રોડ કે અન્ય વૈકલ્પિક રસ્તા ઉપલબ્ધ છે ત્યાં પણ આ પાસ મળશે નહીં.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ફેરફાર નેશનલ હાઈવે ફી નિયમ-2026 હેઠળ કરવામાં આવ્યા છે, જે 2008ના જૂના નિયમોનું સ્થાન લેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દર વર્ષે 1 એપ્રિલે આ પાસના દરોમાં સુધારો કરી શકાય છે.