સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં બનશે બીજું ખોડલધામ: નવરાત્રિ મહોત્સવમાં 'અન્નપૂર્ણા ખોડલધામ'ની સત્તાવાર જાહેરાત

સુરતમાં બનશે બીજું ખોડલધામ: નવરાત્રિ મહોત્સવમાં 'અન્નપૂર્ણા ખોડલધામ'ની સત્તાવાર જાહેરાત

સૌરાષ્ટ્રના કાગવડ ખોડલધામ પછી સુરતમાં બીજા ખોડલધામના નિર્માણને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ પર નવરાત્રિના પાવન પર્વ દરમિયાન પૂર્ણવિરામ મુકાયું છે. મોટા વરાછા ખાતે યોજાયેલા ભવ્ય શેરી ઓટલો નવરાત્રી મહોત્સવમાં સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં 'અન્નપૂર્ણા ખોડલધામ'ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. મંચ પરથી જાહેરાત થતાં જ આખું ગ્રાઉન્ડ 'જય ખોડિયાર'ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને ભાવિ અન્નપૂર્ણા ખોડલધામની એક ઝલક પણ બતાવવામાં આવી હતી.

પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું કે વરાછા વિસ્તારમાં અન્નપૂર્ણા ખોડલધામનું નિર્માણ થશે, જે માટે જમીનની વ્યવસ્થા ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં સમાજના અગ્રણી મુકેશ પટેલ અને જયંતિ એકલારા સહિતના આગેવાનો સક્રિય રીતે જોડાયેલા છે.

તેમણે વધુમાં કહ્યું કે નવા ખોડલધામનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો અને સમાજના વડીલો તથા વૃદ્ધોની સેવા અને સુવિધા માટે વિવિધ કાર્યક્રમો યોજવાનો છે. હાલ પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર થઈ રહી છે અને આગળની વિગતો ટૂંક સમયમાં જાહેર થશે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં બીજા ખોડલધામને લઈને અગાઉ પણ ચર્ચાઓ થઈ હતી. લગભગ પાંચ મહિના પહેલાં, 6 મેના રોજ સુરતમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે સુરતમાં ખોડલધામ બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અંત્રોલી વિસ્તારમાં 40 વીઘા કરતાં વધુ જમીન સંપાદિત કરવામાં આવી છે અને આસો નવરાત્રિની આસપાસ ભૂમિપૂજન કરીને નવરાત્રિ બાદ નિર્માણકાર્ય શરૂ કરવામાં આવશે. જોકે હવે વરાછામાં નિર્માણ પામનારા ખોડલધામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે સુરતના ધાર્મિક ઇતિહાસમાં નવો અધ્યાય ગણાય છે. આગળના દિવસોમાં જમીન અને ભૂમિપૂજન સહિતની વધુ વિગતો જાહેર થવાની સંભાવના છે.