સત્ય. સાહસ. સંકલ્પ.

અંકલેશ્વરમાં બે યુવાનોના શંકાસ્પદ મોત: પત્નીના આરોપ, પોલીસ તપાસ ચાલુ

અંકલેશ્વરમાં બે યુવાનોના શંકાસ્પદ મોત: પત્નીના આરોપ, પોલીસ તપાસ ચાલુ

અંકલેશ્વરમાં 22 વર્ષીય ફરમાન અલી અને 25 વર્ષીય રાહુલ સિંહના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. બંનેના મોત અંગે અંકલેશ્વર GIDC પોલીસ અને ગ્રામ્ય પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૃતક રાહુલ સિંહની પત્ની મોન્ટુએ આરોપ લગાવ્યો છે કે તેના પતિને કોઈએ દારૂ પીવડાવી અને ઈંજેક્શન આપીને મારી નાખ્યો છે. તેમણે જણાવ્યું, “રાત્રે 11:30 વાગ્યે મારા પતિને ફોન આવ્યો હતો, કોઈએ એમને બોલાવ્યા હતા, પણ ગેટ પર (સોસાયટીના) નહોતા આવ્યા, બીજી બાજુથી આવ્યા હતા. એમને બોલાવ્યા બાદથી એમનો ફોન લાગવાનો બંધ થઈ ગયો હતો, ફોન સ્વિચ હતો. કોઈએ એમને પીવડાવીને મારી નાખ્યા. એમના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. મારું બાળક 7 મહિનાનું છે, અમે શું કરીએ બોલો?”

રાહુલની અંતિમયાત્રા દરમિયાન તેની માતા અને પત્ની આક્રંદમાં સુધબુધ ખોઈ બેઠા હતા. રાહુલની પત્ની પોતાના બાળક સાથે કલ્પાંત કરતી જોવા મળી હતી. યુવાન વયે પતિનું મોત થતાં પરિવાર પર આઘાત છવાયો છે. બીજી તરફ 22 વર્ષીય ફરમાન અલીના મોતથી તેના પરિવારજનોમાં પણ ભારે શોક જોવા મળી રહ્યો છે.

ભાસ્કરની ટીમ એ રેલવે ટ્રેક પર પહોંચી હતી જ્યાં આ મિત્રોએ ભેગા મળીને પાર્ટી કરી હોવાનું અનુમાન છે. સારંગપુર-અંકલેશ્વર રેલવે ટ્રેક પરથી રાહુલ અને ફરમાન બંનેને ત્યાંથી આશરે 50-60 મીટર દૂર નજીકના શેડ પર લઈ જવાયા હતા. બંનેના મોત થયાની જાણ થતાં પોલીસ બોલાવી હતી. બંનેના મૃતદેહનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં ફરમાનનો મૃતદેહ ખુરશીમાં બેસેલી અવસ્થામાં જોવા મળ્યો હતો અને રાહુલનો મૃતદેહ જમીન પર પડ્યો હતો.

ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બંને યુવાનોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે. ડો. શૈલવી પટેલે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમનો અહેવાલ પોલીસને સોંપવામાં આવ્યો છે. બંનેના મોત હૃદય બંધ પડી જવાથી થયા છે. જોકે, હૃદય બંધ થવાનું ચોક્કસ કારણ શું હતું અને તેમાં કોઈ દવા, નશીલા પદાર્થ કે અન્ય તત્વની ભૂમિકા હતી કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.

પોલીસે બંને મૃતદેહોના વિશેરા તપાસ માટે મોકલ્યા છે. હવે વિશેરા રિપોર્ટ તેમજ ડિટેઇલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બંને યુવાનોના મોત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે બંનેના શરીરમાં કોઈ દવા કે અન્ય પદાર્થની હાજરી હતી કે નહીં અને જો હતી તો તેની માત્રા કેટલી હતી.

હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે. પેઇનકિલરના ઓવરડોઝ અથવા નશીલા પદાર્થની સંડોવણી અંગેની આશંકા વચ્ચે પોલીસ અને તબીબી તંત્ર કોઈ ફોડ પાડી રહ્યાં નથી અને સત્તાવાર રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. વિશેરા તપાસમાં કયા પદાર્થો અથવા દવાઓની હાજરી મળે છે અને ડિટેઇલ પોસ્ટમોર્ટમમાં શું તારણ આવે છે તેના આધારે સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે.