ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં શનિવારે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. છેલ્લા લગભગ 35 દિવસથી વરસાદ નહોતો પડ્યો. આ સમયગાળામાં ગરમી અને બફારાએ લોકોને હેરાન કર્યા હતા. આજે વાતાવરણમાં અચાનક પલટો આવતાં અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ થતાં હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રસ્તાઓ ભીના થઈ ગયા હતા. લાંબા વિરામ બાદ વરસાદ પડતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. ખેડૂતોમાં પણ આશા જાગી છે.
હવામાન વિભાગે અંકલેશ્વર સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં આજથી આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વરસાદનું જોર વધવાની પણ શક્યતા છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.
રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.