સત્ય. સાહસ. સંકલ્પ.

અંકલેશ્વરના ઉદ્યોગો પર વીજ સંકટ: તબક્કાવાર વીજકાપનો નિર્ણય

અંકલેશ્વરના ઉદ્યોગો પર વીજ સંકટ: તબક્કાવાર વીજકાપનો નિર્ણય

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વરમાં ઉદ્યોગોને હાલ ગંભીર વીજ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. પાવર ગ્રિડની ફ્રિક્વન્સી જાળવી રાખવા માટે વીજ કંપનીએ તબક્કાવાર વીજકાપનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. ઉદ્યોગકારો અને વીજ કંપની વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, અંકલેશ્વરમાં ઘણા એવા એકમો છે જ્યાં મશીનરી 24 કલાક ચાલુ રાખવી પડે છે. વીજકાપના કારણે આ કંપનીઓએ વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવો પડશે, જેથી ઉત્પાદન ખર્ચ વધવાની શક્યતા છે. ખાસ કરીને કેમિકલ ઉદ્યોગોને આની અસર વધુ થશે, કારણ કે તેઓ સતત પ્રક્રિયાઓ પર આધાર રાખે છે.

વર્તમાન પરિસ્થિતિમાં પાવર ગ્રિડની સમસ્યાનો સામનો કરવા માટે સ્ટેગર ડે તરીકે તમામ ફીડરોનું સંકલન કરીને ઉદ્યોગોને કેવી રીતે મદદ કરી શકાય તે અંગે વિચારણા કરવામાં આવી છે. વહીવટી દૃષ્ટિએ, ફીડરવાઇઝ વીજકાપ રિપેરિંગ અને શોર્ટેજ મેનેજમેન્ટ માટે વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે.

બપોરના બદલે સાંજે 4 થી 11 વાગ્યા સુધીનો વીજકાપ રાખવાથી દિવસ દરમિયાન સોલર પાવરનો લાભ મળી શકે છે અને રાત્રીના સમયે રિપેરિંગમાં થતા અકસ્માતો પણ ટાળી શકાય છે. આ સમયગાળો પસંદ કરવા પાછળનું એક કારણ એ પણ છે કે, બીજી શિફ્ટના કામદારોને રિપેરિંગ કાર્ય માટે પૂરતો સમય મળી રહે અને રાત્રીના 12 વાગ્યા પછી, જ્યારે ઊંઘ આવવાના કારણે અકસ્માત થવાની શક્યતાઓ વધુ હોય છે, ત્યારે રિપેરિંગ ટાળી શકાય.