સત્ય. સાહસ. સંકલ્પ.

અંકલેશ્વરમાં બે યુવાનોના શંકાસ્પદ મોત: પેઇન કિલર ઓવરડોઝની આશંકા

અંકલેશ્વરમાં બે યુવાનોના શંકાસ્પદ મોત: પેઇન કિલર ઓવરડોઝની આશંકા

ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 14 લોકોના મોતની ઘટનાને હજી થોડા દિવસો જ થયા છે, ત્યાં અંકલેશ્વરમાં બે યુવાનોના શંકાસ્પદ મોત થયા છે. આ બંને યુવાનોએ પેઇન કિલર ઇન્જેક્શન લીધાની આશંકા છે અને તેના ઓવરડોઝથી કાર્ડિયાક અરેસ્ટ આવવાથી મોત થયાનું પ્રાથમિક અનુમાન છે.

અંકલેશ્વરના સારંગપુર તેમજ GIDC વિસ્તારમાં લાકડાના ડેનસામાં કામ કરતાં 24 વર્ષીય ફરમાન અલી અને 25 વર્ષીય રાહુલ સિંહે થાક ઉતારવાના ઇરાદે પેઇન કિલરનું સેવન કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેઇન કિલરના ઓવરડોઝ અથવા તેની આડઅસરના કારણે કાર્ડિયાક અરેસ્ટથી બંનેના મોત થયા હોવાની આશંકા છે. જોકે, પોલીસ દ્વારા આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોસ્ટમોર્ટમ અને મેડિકલ રિપોર્ટ બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ ઘટનામાં અભિષેક નામનો એક યુવક ગડખોલ CHCમાં સારવાર હેઠળ છે.

સારંગપુર તેમજ GIDC વિસ્તારમાં લાકડાના ડેનસા પરિસરમાં ફરમાન અને રાહુલ બંનેના મૃતદેહના વિડીયો સામે આવ્યા છે, જેમાં ફરમાનનો મૃતદેહ પ્લાસ્ટિકની ખુરશીમાં બેસેલી અવસ્થામાં દેખાય છે અને રાહુલનો મૃતદેહ જમીન પર પડ્યો છે. પરિવારને જાણ થતાં રાહુલના પરિવારની એક યુવતી રાહુલના માથાને પોતાના ખોળામાં રાખી આક્રંદ કરવા લાગી હતી. આ કરૂણ દૃશ્ય જોઈને ત્યાં હાજર લોકોના ગળે ડૂમો આવી ગયો હતો.

અંકલેશ્વર DySP ડો. કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે બંને મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે ડેથ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ વિસેરા લેવામાં આવશે અને તેને તપાસ માટે મોકલવામાં આવશે. વિસેરા તથા મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક ફરમાનના પિતાએ પોતાના પુત્રના મૃત્યુ અંગે ઊંડી વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક ફોન આવ્યા બાદ તેમનો દીકરો ગાડી લઈને ગયો હતો અને જ્યારે તેને પરત લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પકડાયેલા ત્રણ શખ્સોએ ઘટના સમયે મૃતક સાથે હોવાની કબૂલાત કરી છે, પરંતુ પિતાને અન્ય લોકોની સંડોવણી હોવાની પણ આશંકા છે. તેમણે પોલીસ અને તંત્ર પર અવિશ્વાસ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો કે ભ્રષ્ટાચાર અને પૈસાના જોરે આ કેસને દબાવીને સામાન્ય ઘટનામાં ખપાવી દેવામાં આવશે. અંતમાં, રડતા અવાજે તેમણે આ સમગ્ર મામલાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી, જેથી તમામ દોષિતો પકડાય અને ભવિષ્યમાં અન્ય કોઈનો દીકરો આ રીતે ન મરે.