સત્ય. સાહસ. સંકલ્પ.

અંકલેશ્વરમાં 21 વર્ષીય યુવતીની હત્યા: બોયફ્રેન્ડ અને ભાઈ સહિત 4 ઝડપાયા

અંકલેશ્વરમાં 21 વર્ષીય યુવતીની હત્યા: બોયફ્રેન્ડ અને ભાઈ સહિત 4 ઝડપાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 21 વર્ષીય યુવતી મયૂરી ભગતની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં યુવતીના બોયફ્રેન્ડ સંજય, તેના ભાઈ સૌરભ અને તેમના બે મિત્રો - મન તુકારામ વેરેકર ઉર્ફે ગોલુ અને ભરથરી ઉર્ફે બદ્રી - એમ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અંકલેશ્વરના કમલમ તળાવમાંથી ગયા મહિને પથ્થર સાથે બાંધેલી હાલતમાં મયૂરીની લાશ મળી આવી હતી. ભરૂચ LCBના કોન્સ્ટેબલ ધનંજયસિંહને બાતમી મળી હતી, જેના આધારે તળાવમાં તપાસ કરતાં લાશ મળી આવી હતી. લાશ સડી ગયેલી હાલતમાં હતી અને તેના પરથી ઓળખ કરવી મુશ્કેલ હતી.

તપાસમાં ખૂલ્યું કે મયૂરી અને સંજય વચ્ચે લગ્ન કરવાની વાતને લઈને વારંવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે સંજયના ઘરે મયૂરી અને સૌરભ આવ્યા હતા. સંજયે મયૂરીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તમે બન્ને લગ્ન કરી લો, અથવા છૂટા પડી જાઓ, પણ ઝઘડો ન કરો. જોકે, મયૂરીએ ઊંચા અવાજે બોલવાનું ચાલુ રાખ્યું, જેના કારણે બોલાચાલી વધી અને અપશબ્દો સુધી પહોંચી ગઈ.

ગુસ્સામાં સંજયે મયૂરીનું ગળું દબાવી દીધું. સૌરભે પોતાના ભાઈને રોકવાને બદલે મયૂરીના બન્ને પગ જોરથી પકડી લીધા. મયૂરી છૂટવા માટે તરફડિયાં મારતી રહી, પણ બે પુરુષોની શારીરિક તાકાત સામે તે લાચાર બની ગઈ. થોડીવાર પછી તેનું શરીર હલનચલન કરતું બંધ થઈ ગયું. સંજયે ગળું છોડ્યું, ત્યારે મયૂરીએ ફરી શ્વાસ લેવાનું ચાલુ કર્યું. આ જોઈને સંજયને ફરીથી ગુસ્સો આવ્યો અને તેણે પોતાના ગમછાથી ફાંસો બનાવીને મયૂરીના ગળે વિંટીને જોરથી ખેંચ્યો. જ્યાં સુધી તેનું મોત ન થયું ત્યાં સુધી ફાંસો ખેંચી રાખ્યો.

હત્યા બાદ બન્ને ભાઈઓ માટે લાશનો નિકાલ સૌથી મોટો પડકાર હતો. તેમણે નક્કી કર્યું કે લાશને કોથળામાં બાંધીને કમલમ તળાવમાં ફેંકી દેવી. સંજય કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો, તેથી તેને કોથળા સરળતાથી મળી ગયા. બન્નેએ મયૂરીના પગ ઘૂંટણથી વાળીને થાપા સાથે બાંધી દીધા, હાથ પણ દોરડાથી બાંધીને લાશને કોથળામાં પેક કરી દીધી.

લાશને તળાવ સુધી લઈ જવા માટે વધુ લોકોની જરૂર પડતાં સંજયે તેના મિત્રો ગોલુ અને બદ્રીને મદદ માટે બોલાવ્યા. પહેલાં તો બન્નેએ ઇન્કાર કર્યો, પણ સંજયે મિત્રતાની યાદ અપાવતાં તેઓ તૈયાર થઈ ગયા. રાત્રે સંજયે બાઇક પર બદ્રીને કમલમ તળાવ લઈ જઈને નજીકના ઇંટોના ભઠ્ઠામાંથી પથ્થર લાવવા કહ્યું. પથ્થરને લાશના કોથળા સાથે બાંધીને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો.

આ કેસનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે નશામાં બોલાયેલા શબ્દો - 'અમે છોકરીને પતાવી દીધી' - પોલીસ સુધી પહોંચ્યા. આ શબ્દો સાંભળીને શંકા ઊભી થતાં પોલીસે તપાસ શરૂ કરી અને ચારેય આરોપીઓની ધરપકડ કરી. ચારેયને જેલભેગા કરવામાં આવ્યા છે.