સત્ય. સાહસ. સંકલ્પ.

અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ફરી સમારકામ, ટ્રાફિક બે લેનમાં

અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ફરી સમારકામ, ટ્રાફિક બે લેનમાં

અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ફરી એકવાર રોડ સમારકામની કામગીરી શરૂ થતાં વાહનચાલકોને ભારે અસુવિધાનો સામો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં થયેલા ભારે વરસાદને કારણે રોડની પીક્યુસી (PQC) બ્લોક પેનલ જર્જરિત થઈ ગઈ હતી. જેથી ક્ષતિગ્રસ્ત ભાગને તોડીને નવો બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ સમારકામના કારણે ભરૂચથી સુરત તરફનો વાહનવ્યવહાર હાલમાં માત્ર બે લેનમાં ચાલી રહ્યો છે.

આ પહેલીવાર નથી કે આ સેક્શનમાં રોડ સમારકામની જરૂર પડી હોય. આ વર્ષે માર્ચમાં કિમ અને ભરૂચ વચ્ચેના સિમેન્ટ-કોંક્રિટ રોડ પર અનેક જગ્યાએ તિરાડો અને ગેપ જોવા મળ્યા હતા. ત્યારબાદ એનએચએઆઈ (NHAI) દ્વારા ક્ષતિગ્રસ્ત પેનલ કાપીને નવી પેનલ મૂકવાની કામગીરી કરવામાં આવી હતી.

તે પછી જુલાઈમાં અંકલેશ્વર નજીક અડોલ અને પિલુદ્રા ગામ વચ્ચે એક બ્રિજના કોંક્રિટ ભાગને મોટું નુકસાન થયું હતું. રોડ પર આશરે 7થી 8 ફૂટનો મોટો ખાડો સર્જાયો હતો અને સ્ટીલના સળિયા બહાર આવી ગયા હતા. આ ખાડા સાથે અથડાતા એક ટેમ્પો પણ પલટી મારી ગયો હતો. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ પ્રકારની વારંવાર બનતી ઘટનાઓને કારણે એક્સપ્રેસવેની બાંધકામ ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ટૂંકા ગાળામાં વારંવાર થઈ રહેલા સમારકામની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ પણ જોર પકડી રહી છે.