આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) રાજદીપસિંહ ભગવતસિંહ વનારને રૂ. 40,000ની લાંચ સ્વીકારતી વખતે લાંચ રૂશ્વત વિરોધી શાખા (ACB)ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટના પોલીસ વિભાગમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદીને આંકલાવ પોલીસ સ્ટેશનમાં બોલાવીને PI વનારે તેમની ફેક્ટરી પ્રદૂષણ ફેલાવતી હોવાનું કહીને તેને બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. આ દબાણ હેઠળ તેમણે પહેલા દોઢ ટન એસીની માંગ કરી હતી. જોકે, ફરિયાદીએ એસી આપવામાં અસમર્થતા દર્શાવતાં PIએ રૂ. 40,000 રોકડ આપવાની માંગણી કરી હતી.
આ માંગણીથી ફરિયાદીએ લાંચ આપવાને બદલે આણંદ ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની લેખિત ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું.
નક્કી કરેલી યોજના મુજબ, ફરિયાદી રૂ. 40,000 લઈને આંકલાવ પોલીસ સ્ટેશનમાં PIની ચેમ્બરમાં પહોંચ્યા હતા. લાંચ સંબંધિત વાતચીત બાદ PIએ ફરિયાદી પાસેથી નાણાં સ્વીકાર્યાં તે જ વખતે અગાઉથી ગોઠવાયેલી ACB ટીમે કાર્યવાહી કરીને તેમને દબોચી લીધા હતા. ટીમે લાંચની સંપૂર્ણ રકમ સ્થળ પરથી કબજે કરી છે.
પોલીસ સ્ટેશનમાં જ પોલીસ અધિકારી લાંચ લેતા ઝડપાતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ACBની આ કાર્યવાહીથી લાંચ વિરુદ્ધની ઝુંબેશને બળ મળ્યું છે.