સત્ય. સાહસ. સંકલ્પ.

અંકિતા ભંડારી હત્યા કેસ: દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓની અટકાયત, માતા-પિતા પણ કસ્ટડીમાં

અંકિતા ભંડારી હત્યા કેસ: દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓની અટકાયત, માતા-પિતા પણ કસ્ટડીમાં

નવી દિલ્હી: અંકિતા ભંડારી હત્યા કેસમાં ન્યાયની માંગણી કરતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા છે. આ અટકાયતોમાં કોંગ્રેસ નેતા પવન ખેડા સહિત અનેક લોકો સામેલ છે. પોલીસે સવારે 3:45 વાગ્યે CRPF સાથે મળીને આ કાર્યવાહી કરી હતી.

અંકિતાના માતા-પિતાને પણ દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. પરિવાર રાષ્ટ્રપતિને અપીલ કરી રહ્યો છે કે CBIની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી દુષ્યંત કુમાર ગૌતમની સિક્કિમના રાજ્યપાલ તરીકેની નિમણૂક પર રોક લગાવવામાં આવે અને તેને રદ કરવામાં આવે.

અંકિતા ઉત્તરાખંડની એક હોટેલમાં રિસેપ્શનિસ્ટ હતી. VIPને સર્વિસ આપવાનો ઇનકાર કરવા બદલ 2022માં તેની હત્યા કરવામાં આવી હતી. VIPનું નામ ક્યારેય સામે આવ્યું નથી, પરંતુ પરિવાર દુષ્યંત કુમાર ગૌતમ પર સવાલ ઉઠાવતો રહ્યો છે.

રાત્રે 3:15 વાગ્યે પવન ખેડા સહિત અનેક કોંગ્રેસી નેતાઓ ઈન્ડિયા ગેટ પર અંકિતા ભંડારીના માતા-પિતા સાથે ધરણાસ્થળે બેઠા હતા. રાત્રે 3:45 વાગ્યે પોલીસે પવન ખેડા, ઈમરાન પ્રતાપગઢી, સુપ્રિયા શ્રીનેત, ઉદય ભાનુ ચિબ, વિનોદ જાખડ અને વરુણ ચૌધરીની અટકાયત કરી. દિલ્હી મહિલા પોલીસે અંકિતાની માતા સોની દેવીને ધરણાસ્થળેથી ઉઠાવીને લઈ ગઈ. આ દરમિયાન તેઓ રડતાં જોવા મળ્યાં.

દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા બાદ અંકિતા ભંડારીના પિતાએ કહ્યું, "જો મારી દીકરીને ન્યાય નહીં મળે, તો સમગ્ર દેશમાં પ્રદર્શનો થશે. અમારી સૌથી પહેલી માંગ છે કે દુષ્યંત ગૌતમની નિમણૂક રદ કરવામાં આવે. અને જો નિમણૂક રદ કરવામાં નહીં આવે, તો અમારે ફરી એકવાર સમગ્ર દેશમાં રસ્તા પર ઉતરવું પડશે, અને મારી દીકરીને ન્યાય મળવો જ જોઈએ."

એક દિવસ પહેલાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ધરણાસ્થળે પહોંચ્યા હતા. રાહુલ ગાંધી 14 ઑક્ટોબરની સાંજે ઈન્ડિયા ગેટ પર ધરણા પર બેઠેલા અંકિતા ભંડારીના માતા-પિતાને મળ્યા. પ્રિયંકા પણ તેમની સાથે રહી. બંને લગભગ એક કલાક ત્યાં રોકાયા. આ દરમિયાન રાહુલ ગાંધીએ અંકિતાના પિતાના ખભા પર હાથ રાખીને વાતચીત કરી. પ્રિયંકાએ અંકિતાની માતાને પહેલાં ગળે લગાવી, ત્યારબાદ પાણી પીવડાવ્યું.