ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડને લઈને રાજ્યનું રાજકારણ ફરી ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય દિલીપ રાવતે અંકિતાના માતા-પિતાને સલાહ આપી છે કે જો તેમને માત્ર ન્યાય જ જોઈએ છે તો સરકારે આપેલું વળતર પાછું આપી દેવું જોઈએ. આ નિવેદન બાદ કોંગ્રેસે ભાજપ પર મહિલા વિરોધી માનસિકતાનો આરોપ લગાવ્યો છે.
ધારાસભ્ય રાવતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હું અન્યાયનો ભોગ બનેલી દરેક મહિલાની સાથે ઊભો છું અને અંકિતાના પરિવારનું ન્યાયની માંગમાં સમર્થન કરું છું. જોકે, તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે પરિવાર સરકારની કાર્યવાહીથી અસંતુષ્ટ છે તો તેણે સરકારી સહાય કેમ સ્વીકારી? રાવતે કહ્યું, 'જ્યારે અંકિતાના માતા-પિતા કહે છે કે તેમને ન્યાય મળ્યો નથી અને સરકારના પ્રયાસોથી નાખુશ છે, તો તેમણે સરકારની તમામ મદદનો ઈનકાર કરી દેવો જોઈએ અને માત્ર ન્યાયની વાત કરવી જોઈએ.' તેમણે ઉમેર્યું કે સરકારે પણ પરિવારની માંગને ગંભીરતાથી લઈને ન્યાય આપવાની દિશામાં કામ કરવું જોઈએ.
આ નિવેદન સામે ઉત્તરાખંડ કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સૂર્યકાંત ધસ્માનાએ પ્રહાર કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું અંકિતાના પરિવારને એ શરતે વળતર આપવામાં આવ્યું હતું કે તેઓ કેસમાં સંડોવાયેલા 'VIP'ની સામે માંગ નહીં ઉઠાવે? ધસ્માનાએ કહ્યું, 'વળતર જનતાના પરસેવાની કમાણીમાંથી સરકારી ખજાનામાંથી આપવામાં આવે છે, ભાજપની તિજોરીમાંથી નહીં. ભાજપ સાચા ગુનેગાર VIPને બચાવવા માટે બહાનાં શોધી રહી છે. કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે સાચા દોષિતને કાયદાના કઠેડામાં ઊભો રાખશે.'
ઉલ્લેખનીય છે કે ઋષિકેશ નજીકના વનંત્રા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી અંકિતા ભંડારીની 18 સપ્ટેમ્બર 2022ના રોજ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અદાલતે રિસોર્ટના માલિક પુલકિત આર્ય અને તેના બે કર્મચારીઓ સૌરભ ભાસ્કર તથા અંકિત ગુપ્તાને આજીવન કેદની સજા સંભળાવી છે.