સત્ય. સાહસ. સંકલ્પ.

અંજારમાં યુવકની હત્યા: પ્રેમસંબંધની શંકા બાદ પાડોશીએ લોખંડના રોડ વડે મારી નાખ્યો

અંજારમાં યુવકની હત્યા: પ્રેમસંબંધની શંકા બાદ પાડોશીએ લોખંડના રોડ વડે મારી નાખ્યો

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વરસામેડી ગામેથી ગત 31 ઓગસ્ટથી ગુમ થયેલા લખુભાઈ હુંબલની કરપીણ હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) સંયુક્ત તપાસમાં થોડા કલાકોમાં જ આ કેસ ઉકેલી લીધો છે.

પોલીસ તપાસ અનુસાર, મૃતકની પત્ની સાથે પાડોશમાં રહેતા દિનેશ ઠાકોરનો છેલ્લા દોઢ વર્ષથી અનૈતિક સંબંધ હતો. આ સંબંધની શંકા મૃતક લખુભાઈને થઈ હતી. સંબંધની પોલ ખુલી જવાથી અને પોતાની હત્યા થઈ શકે તેવી દહેશતે આરોપી દિનેશે લખુભાઈને પોતાના ઘરે બોલાવી, માથામાં લોખંડનો રોડ ઝીંકી તેમની હત્યા કરી હતી.

હત્યા બાદ પુરાવાનો નાશ કરવા આરોપીએ મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા. તેણે મૃતકનો મોબાઈલ હાઈવે રોડ પર ફેંકી દીધો હતો, જ્યારે લોખંડ કાપવાની તણી (હેક્સો બ્લેડ) વડે મૃતદેહના બે ટુકડા કરી, તેને પ્લાસ્ટિકના કોથળામાં ભરી નજીકના તળાવમાં ફેંકી દીધા હતા.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ માહિતીના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે આરોપી દિનેશ ઠાકોરને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.