સત્ય. સાહસ. સંકલ્પ.

અંજારમાં ગુમ 43 વર્ષીય વ્યક્તિનો બે ટુકડામાં મળ્યો મૃતદેહ: બે કોથળામાં પેક કરી તળાવમાં ફેંકી દેવાઈ હતી લાશ

અંજારમાં ગુમ 43 વર્ષીય વ્યક્તિનો બે ટુકડામાં મળ્યો મૃતદેહ: બે કોથળામાં પેક કરી તળાવમાં ફેંકી દેવાઈ હતી લાશ

કચ્છના અંજારમાં 43 વર્ષીય લખ્ખુ હુંબલની હત્યા કરી તેમના મૃતદેહના બે ટુકડા કરી અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભરી તળાવમાં ફેંકી દેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

અંજારના વરસામેડી વિસ્તારમાં આવેલી સરદાર આવાસ સોસાયટીમાં રહેતા લખ્ખુ હુંબલ 31મી ઓગસ્ટની રાત્રે ગુમ થયા હતા. તેમના પુત્ર રવિએ 31મી ઓગસ્ટની રાત્રે આશરે 10 વાગ્યે પિતાને વરસામેડી ટોલનાકા નજીક ગણેશ મંદિર પાછળ આવેલા ખેતરમાં રખોપા માટે મૂક્યા હતા. બીજા દિવસે બપોર સુધી પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેમનો મોબાઈલ નર્મદા પંપિંગ સ્ટેશન નજીક બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. 1લી સપ્ટેમ્બરની સાંજે પરિવારે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

5મી સપ્ટેમ્બરે સાંજે ગામના તળાવ કિનારે પ્લાસ્ટિકના બે કોથળામાં માનવ શરીરના અંગો હોવાની જાણ થતાં પોલીસ અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. એક કોથળામાં માથાથી કમર સુધીનો ભાગ અને બીજા કોથળામાં શરીરનો બાકીનો ભાગ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકના માથાના ભાગે ધારદાર હથિયારથી ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો છે. મૃતકના નાના ભાઈ દેવજીની ફરિયાદના આધારે અજાણ્યા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસને શંકા છે કે આ ઘાતકી હત્યા પાછળ કોઈ જાણભેદુ અથવા નજીકના વ્યક્તિનો હાથ છે.

તપાસ દરમિયાન લખ્ખુભાઈના પારિવારિક જીવન અંગે પણ કેટલીક વિગતો સામે આવી છે. લગભગ 20 વર્ષ અગાઉ તેમના મહારાષ્ટ્રના અમરાવતી વતની શીતલબહેન સાથે લગ્ન થયા હતા અને તેમને 18 વર્ષીય પુત્ર રવિ છે. પરિવારના જણાવ્યા મુજબ લગભગ એક વર્ષ અગાઉ પતિ-પત્ની વચ્ચે મતભેદ સર્જાયા હતા, જેના કારણે પત્ની અલગ રહેવા ગઈ હતી. બાદમાં પરિવારની સમજાવટથી તે પરત આવ્યા હતા. હાલમાં પત્ની તેની માતા સાથે અમરાવતી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

અંજાર પોલીસના પીઆઈ એચ.એ. જાડેજા અને તેમની ટીમ હત્યાનું કારણ, આરોપીઓ અને ઘટનાક્રમ જાણવા માટે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.