સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અભિનેત્રી અંજલી અરોરા હાલમાં ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’માં સીતાનું પાત્ર ભજવવાને લીધે ચર્ચામાં છે. તેના લુક અને અભિનયની પ્રશંસા પણ થઈ રહી છે, તો સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યું છે. ટ્રોલિંગનું કારણ તેની જૂની સોશિયલ મીડિયા છબી છે, ખાસ કરીને ‘કચ્ચા બદામ’ ગીત પર વાયરલ થયેલી તેની ડાન્સિંગ રીલ્સ. આ અંગે અંજલીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી.
તેણે કહ્યું કે, 'લોકોનું કામ નિર્ણય કરવાનું છે અને તેમને તેનો અધિકાર છે. જે બાબતો છે તે છે જ. આપણે કોઈ પણ બાબતને આપણા જીવનનો એક ભાગ કહી શકીએ, પરંતુ તે આપણું સંપૂર્ણ જીવન નથી હોતું.' તેના મતે, જો લોકો તેને જૂની સોશિયલ મીડિયા ઇમેજ માટે યાદ કરે તો પણ ઠીક છે, પણ તેણે આ સિવાય પણ ઘણું કામ કર્યું છે અને આગળ પણ કરવા માગે છે. તે ઇચ્છે છે કે લોકો તેની વ્યક્તિત્વને અલગ રાખીને આ સિનેમામાં તેના પાત્રને જુએ અને પછી નિર્ણય કરે.
અંજલી અરોરાએ સોશિયલ મીડિયા પર ડાન્સિંગ રીલ્સથી ઓળખ બનાવી હતી. ‘કચ્ચા બદામ’ ગીત પરનો તેનો ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. ત્યારબાદ તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે ઓળખાવા લાગી હતી અને તેણે રિયાલિટી શો ‘લૉક અપ સીઝન 1’માં પણ ભાગ લીધો હતો. હવે સીતાનું પાત્ર ભજવતાં સોશિયલ મીડિયા પર તેની જૂની તસવીરો અને વીડિયોને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તેની ગ્લેમરસ અને બિન્દાસ છબીની તુલના સીતાના પાત્ર સાથે કરી રહ્યા છે. ઘણા યુઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો કે ડાન્સિંગ અને ગ્લેમરસ છબી માટે જાણીતી અંજલી સીતા જેવું પવિત્ર પાત્ર કેવી રીતે ભજવી શકે. કેટલાક કમેન્ટ્સમાં તેને ‘કચ્ચા બદામ ગર્લ’ કહીને ટ્રોલ કરવામાં આવી, તો કેટલાકે લખ્યું કે, ‘સીતાના રોલમાં શૂર્પણખા’.
આ ટ્રોલિંગ વચ્ચે ફિલ્મમાં શ્રીરામનું પાત્ર ભજવી રહેલા અભિનેતા દેવ શર્માએ કહ્યું કે, કોઈ વ્યક્તિએ કરેલા કામની અસર તેના સમગ્ર જીવન પર પડી શકે છે. તેમણે ટ્રોલિંગની ગંભીર અસર વિશે પણ વાત કરી.
સીતાનું પાત્ર મળતાં અંજલી પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે, શરૂઆતમાં તેના મનમાં પ્રશ્ન હતો કે તે આ પાત્ર કેવી રીતે ભજવી શકશે અને તેને જ સીતાની ભૂમિકા શા માટે આપવામાં આવી. ડિરેક્ટરના વિઝન અને વિશ્વાસ બાદ તેણે પોતાના પર કામ કરવાનું શરૂ કર્યું. શૂટિંગ દરમિયાન તેણે સીતાના પાત્રની અનેક બાબતો અપનાવવાનો પ્રયાસ કર્યો.
અંજલીના મતે, સીતા તેના માટે ધૈર્ય, ત્યાગ અને સાદગીનું ઉદાહરણ છે. તેણે કહ્યું કે, મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં સીતાએ ધૈર્ય ગુમાવ્યું નહીં અને ગુસ્સામાં એવો નિર્ણય લીધો નહીં, જેના કારણે કોઈ અન્યને નુકસાન પહોંચે.
જ્યારે અંજલીને પૂછવામાં આવ્યું કે સીતાના વ્યક્તિત્વ સાથે તેનામાં કેટલી સમાનતાઓ છે, ત્યારે તેણે પોતાની સરખામણી સીતા સાથે કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. તેણે કહ્યું કે, તે આજની પેઢીની છોકરી છે અને તેના પોતાના વિચારો અને જીવનશૈલી છે. જોકે, તે પોતાના ધર્મ અને વિશ્વાસ સાથે જોડાયેલી છે. તેણે કહ્યું કે, તેનો વિશ્વાસ છે કે જે તેનું છે, તે તેની પાસે ચોક્કસ આવશે અને જે તેનું નથી, તે નજીક આવીને પણ દૂર ચાલ્યું જશે.
અંજલી અરોરાએ આજની પેઢીના ઉછેરને લઈને પણ પોતાની વાત રજૂ કરી. તેણે કહ્યું કે, બાળકોને આધુનિક વિચારસરણી અને જીવનશૈલી સાથે આગળ વધવાની સ્વતંત્રતા મળવી જોઈએ, પરંતુ તેને પોતાના ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોની જાણકારી હોવી પણ જરૂરી છે. તેણે કહ્યું કે, તેના માતા-પિતાએ તેને પોતાના ધર્મ સાથે જોડાયેલા રહેવા અને સારા સંસ્કારો સાથે આગળ વધવાનું શીખવ્યું છે. તેનું માનવું છે કે, આજના માતા-પિતાએ પણ બાળકોને સમજાવવું જોઈએ કે તેઓ કઈ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલા છે. તેણે કહ્યું કે, સંસ્કાર માણસના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.