સત્ય. સાહસ. સંકલ્પ.

રાજેશ ખન્ના સાથે લગ્નનો દાવો સુપ્રીમ કોર્ટમાં ફગાવાયો, અનિતા અડવાણીને કોઈ રાહત નહીં

રાજેશ ખન્ના સાથે લગ્નનો દાવો સુપ્રીમ કોર્ટમાં ફગાવાયો, અનિતા અડવાણીને કોઈ રાહત નહીં

સુપ્રીમ કોર્ટે અભિનેત્રી અનિતા અડવાણીની અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે દિવંગત અભિનેતા રાજેશ ખન્ના સાથેના પોતાના સંબંધને લગ્ન તરીકે કાનૂની માન્યતા આપવાની માંગ કરી હતી. જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાળેની ખંડપીઠે અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતાં તેને ‘લક્ઝરી લિટિગેશન’ ગણાવી હતી. આ સાથે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતાં અનિતા માટે કાનૂની માર્ગો બંધ થઈ ગયા છે.

અનિતાએ દાવો કર્યો હતો કે તેઓ 10 વર્ષથી વધુ સમય સુધી રાજેશ ખન્ના સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યાં હતાં. તેમણે ડિમ્પલ કાપડિયા અને તેમના પરિવાર વિરુદ્ધ ઘરેલુ હિંસા કાયદા હેઠળ કેસ પણ દાખલ કર્યો હતો.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે આ અરજીમાં આગળ સુનાવણી માટે કોઈ નક્કર આધાર નથી. બીજી તરફ અનિતાના વકીલે દલીલ કરી કે આ અરજી કોઈ આર્થિક લાલચ માટે નહીં, પરંતુ પોતાના આત્મસન્માન અને ગરિમા માટે કરવામાં આવી છે.

આ પહેલાં બોમ્બે હાઈકોર્ટે 1 એપ્રિલે અનિતાની અપીલ ફગાવી દીધી હતી. હાઈકોર્ટે મુંબઈની ડિંડોશી સત્ર અદાલતના 2017ના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો, જેમાં રાજેશ ખન્નાના નિધન બાદ દાખલ કરવામાં આવેલો તેમનો સિવિલ દાવો ફગાવી દેવામાં આવ્યો હતો.

અનિતાનો દાવો છે કે તેઓ રાજેશ ખન્ના સાથે તેમના જીવનના અંતિમ વર્ષોમાં ઘણા વર્ષો સુધી લિવ-ઇન રિલેશનશિપમાં હતાં. જુલાઈ 2012માં 69 વર્ષની ઉંમરે રાજેશ ખન્નાના નિધન બાદ વિવાદ શરૂ થયો. અનિતાનો આરોપ હતો કે રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા, પુત્રી ટ્વિંકલ ખન્ના અને જમાઈ અક્ષય કુમારે તેમને બાંદ્રા સ્થિત બંગલા 'આશીર્વાદ'માંથી બહાર કાઢી મૂક્યાં હતાં.

ત્યારબાદ 2013માં અનિતાએ ડિમ્પલ કાપડિયા અને તેમના પરિવાર વિરુદ્ધ ઘરેલુ હિંસા કાયદા હેઠળ કેસ નોંધાવ્યો હતો, જેમાં તેમણે બાંદ્રામાં 3-બીએચકે ફ્લેટ અને દર મહિને મેન્ટેનન્સની માંગ કરી હતી.

2015માં બોમ્બે હાઈકોર્ટે ડિમ્પલ કાપડિયા અને તેમના પરિવારની અરજી પર સુનાવણી કરતાં અનિતાની ફરિયાદ રદ કરી દીધી હતી. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે અનિતાનો રાજેશ ખન્ના સાથેનો સંબંધ લગ્ન જેવો નહોતો, તેથી તેઓ ઘરેલુ હિંસા કાયદા હેઠળ રાહત મેળવવાનાં હકદાર નથી. અદાલતે એવું પણ માન્યું હતું કે રાજેશ ખન્નાના પરિવારના સભ્યોને આ કેસમાં ઘસેડવા યોગ્ય નથી, કારણ કે અનિતા તેમની સાથે ક્યારેય રહ્યાં નહોતાં. ત્યારબાદ તેમણે કોર્ટમાં ફરી અપીલ કરી, જે એપ્રિલ 2026માં ફગાવી દેવાઈ.

અનિતા અડવાણીએ 1978માં ધર્મેન્દ્ર અને ઝીનત અમાનની ફિલ્મ 'શાલિમાર'માં ડાન્સરની ભૂમિકાથી અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે 'સાજિશ' અને 'દાસી' જેવી ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ 2013માં તેઓ સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ'માં પણ જોવા મળી હતી. બે વર્ષ પહેલાં તેમણે રાજેશ ખન્નાની જન્મજયંતિ પર ‘ધ એન્ડિયરિંગલી વિકેડ વેઝ ઑફ રાજેશ ખન્ના’ નામથી પોતાનું પુસ્તક પણ લોન્ચ કર્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમના અને રાજેશ ખન્નાના મિત્રો તેમના સંબંધ વિશે બધું જાણતા હતા અને તેમણે તેને ક્યારેય છુપાવ્યો નહોતો.