સંગીત કંપોઝર અનિરુદ્ધ રવિચંદ્રન અને સનરાઇઝર્સ હૈદરાબાદનાં મુખ્ય અધિકારી (CEO) કાવ્યા મારને લગ્ન કરી લીધા છે. અનિરુદ્ધે ઇન્સ્ટાગ્રામ પર પત્ની સાથેની પહેલી તસવીર શેર કરી છે.
તસવીર શેર કરતાં અનિરુદ્ધે લખ્યું, 'મારી જિંદગીની એ ક્ષણ, જે જીવનભર માટે છે.' સાથે તેમણે તારીખ '11.11' પણ લખી છે. આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
તસવીરમાં અનિરુદ્ધ દક્ષિણ ભારતીય શૈલીના શેરવાનીમાં જોવા મળે છે. કાવ્યાએ તેમના વસ્ત્રો સાથે મેળ બેસાડ્યો છે અને ગોલ્ડન પીચ રંગના લહેંગામાં જોવા મળે છે.
અહેવાલો અનુસાર, બંનેનું ભવ્ય સ્વાગત સમારંભ (રિસેપ્શન) 21 નવેમ્બરે ચેન્નાઈમાં યોજાવાનું છે. તેમાં રાજકારણ અને સિનેમા જગતની અનેક મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હોવાની માહિતી છે. લગ્નમાં અભિનેતા રજનીકાંત પણ પહોંચ્યા હતા.
અભિનંદન આપનારામાં એટલી કુમાર, સામંથા, પૂજા હેગડે, સૌંદર્યા રજનીકાંત, લક્ષ્મી મંચુ અને અમાન મલિક સહિત અનેક જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે.
અનિરુદ્ધ રવિચંદ્રન આજે ફિલ્મ ઉદ્યોગના સૌથી વધુ ફી લેનારા સંગીત કંપોઝરોમાંના એક ગણાય છે. તેમણે તમિલ સિનેમાની અનેક મોટી હિટ ફિલ્મોનું સંગીત આપ્યું છે. 2023માં તેમણે શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'થી હિન્દી સિનેમામાં પદાર્પણ કર્યું હતું. તેઓ લતા રજનીકાંતના ભાણેજ છે. લતા રજનીકાંતનાં બે સંતાનો ઐશ્વર્યા અને સૌંદર્યા અનિરુદ્ધનાં પિતરાઈ ભાઈ-બહેન થાય.
કાવ્યા મારન ફિલ્મ નિર્માતા અને ઉદ્યોગપતિ કલાનિધિ મારનનાં પુત્રી છે. તેઓ આઇપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદનાં CEO છે. ઉપરાંત તેઓ સન ટીવી નેટવર્કનાં કાર્યકારી નિદેશક (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર) પણ છે, જેની માલિકી તેમના પિતા પાસે છે.