સત્ય. સાહસ. સંકલ્પ.

અનિલ કપૂર સાથે લગ્ન માટે સુનીતાએ મૂકી હતી રસોડામાં ન જવાની શરત, 42 વર્ષ પછી ખુલાસો

અનિલ કપૂર સાથે લગ્ન માટે સુનીતાએ મૂકી હતી રસોડામાં ન જવાની શરત, 42 વર્ષ પછી ખુલાસો

બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે તાજેતરમાં એક ટેલિવિઝન રિયાલિટી શોમાં પોતાના લગ્નજીવનની એક રસપ્રદ વાત શેર કરી છે. તેમણે જણાવ્યું કે પત્ની સુનીતાએ લગ્ન પહેલાં એક શરત મૂકી હતી — લગ્ન પછી તેમણે ક્યારેય રસોડામાં પગ ન મૂકવો પડે.

અનિલ કપૂરે કહ્યું, 'સુનીતાએ સાફ કહ્યું હતું કે તે મારી સાથે ત્યારે જ લગ્ન કરશે જ્યારે તેને રસોડામાં જવું ન પડે. આ શરત સાંભળીને મેં નક્કી કર્યું કે મારે જીવનમાં એટલી મહેનત કરવી પડશે અને એટલા સફળ થવું પડશે કે તેને ક્યારેય રસોડામાં જવું ન પડે. મેં એ જવાબદારી ઉપાડી લીધી અને આજે પણ સુનીતા ક્યારેય રસોડામાં ગઈ નથી.'

અનિલ કપૂરની આ વાત સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે. ઘણા લોકો તેને પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે.

અનિલ અને સુનીતાના લગ્ન 1984માં થયા હતા. તેમની પ્રેમકથા 1973માં શરૂ થઈ હતી, જ્યારે અનિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવા સંઘર્ષ કરી રહ્યા હતા. તે સમયે સુનીતા એક સફળ મોડેલ હતી. એક મિત્રએ સુનીતાને અનિલનો નંબર આપ્યો અને તેમણે અનિલને પ્રૅન્ક કૉલ કર્યો. અનિલે જણાવ્યું કે સુનીતાનો અવાજ સાંભળતાં જ તે તેના પ્રેમમાં પડી ગયા.

લગ્ન અત્યંત સાદગીપૂર્વક યોજાયા હતા. માત્ર 30 મિનિટમાં લગ્નની બધી વિધિ પૂરી થઈ ગઈ હતી. મંડપમાં બંનેના માતા-પિતા અને થોડા નજીકના સંબંધીઓ જ હાજર હતા.

આજે અનિલ અને સુનીતાના લગ્નને 42 વર્ષ પૂર્ણ થયા છે. તેઓ ત્રણ બાળકોના માતા-પિતા છે અને પરિવાર સાથે સુખી દાંપત્યજીવન જીવી રહ્યા છે.