મુંબઈ: ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બેંક લોન કૌભાંડના કેસમાં આશરે ₹510 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિમાં બે ચાર્ટર્ડ વિમાન, બે વિન્ડ મિલ, જમીનના પ્લોટ અને અન્ય મિલકતોનો સમાવેશ થાય છે.
EDના જણાવ્યા અનુસાર, રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ સાથે જોડાયેલા ₹263.05 કરોડના બેંક ફ્રોડ કેસમાં બે ચાર્ટર્ડ વિમાન, મહારાષ્ટ્રમાં આવેલા જમીનના છ પ્લોટ અને એક ઓફિસ પરિસર જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે રિલાયન્સ કેપિટલ ફાઇનાન્સ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ સાથે સંકળાયેલા ₹247.12 કરોડના કેસમાં તમિલનાડુમાં આવેલી બે વિન્ડ મિલ, બેંક બેલેન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ, રોકાણ અને અન્ય લેણાં જપ્ત કરવામાં આવ્યા છે.
આ બંને કાર્યવાહી સાથે અનિલ અંબાણી જૂથ સામે વિવિધ કેસોમાં ED દ્વારા અત્યાર સુધી ફ્રીઝ અથવા જપ્ત કરાયેલી સંપત્તિનું કુલ મૂલ્ય આશરે ₹23,100 કરોડ થયું છે. EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ તપાસ ચલાવી રહી છે. આ તપાસ સીબીઆઈ દિલ્હી, આર્થિક ગુના શાખા (EOW) દિલ્હી અને EOW મુંબઈમાં નોંધાયેલી ફરિયાદોના આધારે શરૂ કરવામાં આવી છે. તપાસ હેઠળની કંપનીઓમાં રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ હોમ ફાઇનાન્સ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર અને રિલાયન્સ કેપિટલનો સમાવેશ થાય છે. FEMA હેઠળ પણ બે અલગ કેસોની તપાસ ચાલુ છે.
EDના આરોપ મુજબ, તપાસમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લેવાયેલા જાહેર ભંડોળને અન્યત્ર ડાયવર્ટ કરવા, કંપનીની સંપત્તિને વ્યક્તિગત ઉપયોગ માટે સુરક્ષિત રાખવા આઈબીસી કાયદાનો દુરુપયોગ કરવા અને નાણાંને ટેક્સ હેવન દેશોમાં મોકલવા જેવી ગેરરીતિઓ સામે આવી છે. જાહેર નાણાંનો મોટો હિસ્સો પ્રમોટરો અને તેમના પરિવારના વ્યક્તિગત લાભ માટે વપરાયો હોવાનો પણ આરોપ છે.
આ કેસોમાં EDએ અત્યાર સુધીમાં 10 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને PMLA હેઠળ છ પ્રોસિક્યુશન ફરિયાદો દાખલ કરી છે. FEMA હેઠળ એક ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે EDની વધુ તપાસ ચાલુ હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.