સત્ય. સાહસ. સંકલ્પ.

આંગણવાડી બહેનોનો અમદાવાદમાં બે દિવસીય ધરણાં: વેતન વધારાની માંગ

આંગણવાડી બહેનોનો અમદાવાદમાં બે દિવસીય ધરણાં: વેતન વધારાની માંગ

અમદાવાદના સરદાર ગાર્ડનમાં આજથી બે દિવસ સુધી આંગણવાડી અને આશા વર્કર બહેનોએ ધરણાં અને ઉપવાસ કર્યા છે. તેઓ વેતન વધારા સહિતની માંગણીઓ લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ દરમિયાન બહેનોએ 'હું તો કાગળિયા લખી લખી થાકી, સરકાર તારા મનમાં નથી' જેવા ગીતો ગાઈને પોતાની ફરિયાદ વ્યક્ત કરી હતી.

હાલમાં આંગણવાડી વર્કરને દર મહિને 10,000 રૂપિયા, હેલ્પરને 5,500 રૂપિયા અને આશા વર્કરને માત્ર 4,500 રૂપિયા ચૂકવવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર અને હેલ્પર માટે અનુક્રમે 24,800 અને 20,300 રૂપિયા વેતન આપવાનો હુકમ કર્યો છે, પરંતુ રાજ્ય સરકારે તેનો અમલ કરવાને બદલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આથી બહેનોમાં ભારે રોષ છે.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી સંગીતાબેન દવેએ જણાવ્યું કે, સરકાર હાઈકોર્ટના હુકમનો અમલ કરે તે તેમની મુખ્ય માંગ છે. અગાઉ પણ જ્યારે જ્યારે તેઓએ આંદોલન કર્યું ત્યારે સરકારે તેમને બેઠક માટે બોલાવીને વચનો આપ્યાં, પરંતુ તે વચનો પૂરાં કર્યાં નથી. આથી તેઓ બે દિવસ ધરણાં પર બેસી રહ્યાં છે.

સંગીતાબેને ઉમેર્યું કે, મોંઘવારી વધી રહી છે. એક તેલનો ડબ્બો અને ગેસનો સિલિન્ડર લેવામાં જ 5,500 રૂપિયા ખર્ચ થઈ જાય છે. આટલા ઓછા વેતનમાં બહેનો પોતાના બાળકોને કઈ રીતે ભણાવે તે મોટો સવાલ છે. સરકાર મહિલા સશક્તિકરણની વાત કરતી હોય તો આ બહેનોને પૂરતું વેતન આપવું જોઈએ. જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સંગઠનના મહામંત્રી કૈલાશબેને જણાવ્યું કે, 2018થી કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાનો પગાર વધારો કર્યો નથી, જ્યારે 2022 પછી રાજ્ય સરકારે પણ વેતનમાં કોઈ વધારો કર્યો નથી. બહેનોની કામગીરી સતત વધી રહી છે, પરંતુ તેમને લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી. મોંઘવારી પ્રમાણે વેતન વધારવું જોઈએ.

કૈલાશબેને વધુમાં જણાવ્યું કે, સરકાર ચૂંટણી સમયે અને મેળાના સમયે આ બહેનોને યાદ કરે છે, કારણ કે તેઓ બૂથ પર અને BLO તરીકે કામગીરી કરે છે. પરંતુ બાકીના સમયમાં સરકારને તેમની યાદ આવતી નથી. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર મજૂરવિરોધી છે અને જો માંગણીઓ નહીં સ્વીકારે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.