સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં આંગણવાડી અને આશા વર્કર્સનું બે દિવસીય ઉપવાસ આંદોલન: વેતન વધારાની માંગ

અમદાવાદમાં આંગણવાડી અને આશા વર્કર્સનું બે દિવસીય ઉપવાસ આંદોલન: વેતન વધારાની માંગ

અમદાવાદના સરદાર ગાર્ડન ખાતે રાજ્યભરની આંગણવાડી અને આશા વર્કર બહેનોએ બે દિવસીય ઉપવાસ અને ધરણાં આંદોલન શરૂ કર્યું છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનના નેતૃત્વ હેઠળ એકત્ર થયેલી બહેનોએ વધતી મોંઘવારી અને કામના ભારણ સામે સરકાર સામે મોરચો માંડ્યો છે.

આંગણવાડી વર્કરને માસિક 10,000 રૂપિયા, હેલ્પરને 5,500 રૂપિયા અને આશા વર્કરને 4,500 રૂપિયા માનદ વેતન મળે છે. આથી બહેનોમાં ભારે આક્રોશ છે. તેમની મુખ્ય માંગ છે કે ગુજરાત હાઇકોર્ટે ઑગસ્ટ 2025માં આંગણવાડી વર્કર અને હેલ્પરના વેતન અનુક્રમે 24,800 રૂપિયા અને 20,300 રૂપિયા કરવાનો ચુકાદો આપ્યો હતો, તેનો અમલ કરવો જોઈએ. રાજ્ય સરકારે હાઇકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે, જે પાછી ખેંચવી જોઈએ.

પ્રદર્શનકારીઓએ માંગ કરી છે કે સરકાર સુપ્રીમ કોર્ટમાંથી અપીલ તાત્કાલિક પાછી ખેંચે, હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરે અને વચગાળાની રાહત રૂપે રાજ્યનું લઘુતમ વેતન ચૂકવે. નિવૃત્તિ વયમર્યાદા સહિતના પડતર પ્રશ્નોનો પણ કાયમી ઉકેલ લાવવાની માંગણી કરાઈ છે.

આંગણવાડી અને આશા વર્કર બહેનો સરકારની પાયાની કામગીરી નિભાવે છે, જેમાં બાળકોની સંભાળ, ચૂંટણી સમયે BLOની કામગીરી, વસ્તી ગણતરી અને સરકારી મેળાઓની જવાબદારીઓ શામેલ છે. ICDS સેવાઓને 50 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં અને સરકારી કર્મચારીઓ સમકક્ષ કામગીરી કરાવવામાં આવતી હોવા છતાં, તેમને માત્ર માનદ વેતનદાર ગણવામાં આવે છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી તેમને કાયમી કર્મચારીનો દરજ્જો આપવામાં આવતો નથી, જે મહિલાઓનું શોષણ દર્શાવે છે.

બહેનોએ ચેતવણી આપી છે કે સરકાર માત્ર બેઠકો બોલાવીને વચનો આપે છે, પરંતુ તેનું પાલન કરતી નથી. અગાઉ પણ રજૂઆતો, રેલીઓ અને ધરણાં કરવા છતાં કોઈ સકારાત્મક ઉકેલ આવ્યો નથી. હવે બહેનો ભૂખ વેઠીને આંદોલન કરવા મજબૂર બની છે. જો હાઇકોર્ટના આદેશ મુજબ વેતન વધારો અને લઘુતમ વેતનમાં સમાવેશ કરવાની વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સંગઠન દ્વારા આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન થશે.