ઈંગ્લેન્ડના પૂર્વ આંતરરાષ્ટ્રીય ફૂટબોલર એન્ડ્રોસ ટાઉનસેન્ડ થાઈ લીગની એક મેચ પહેલાં ગંભીર અકસ્માતમાંથી બચી ગયા છે. વોર્મ-અપ દરમિયાન 35 વર્ષીય ટાઉનસેન્ડ પર ભારે પિચ રોલર ચઢી ગયું હતું. રોલર તેમના પગ અને કમર પરથી પસાર થયું હતું.
ઘટના સમયે મેદાન પર થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, ટાઉનસેન્ડને ગંભીર ઈજા થઈ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે ટાઉનસેન્ડ હવામાં બેકહીલ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પિચ રોલર તેમના માર્ગમાં આવી ગયું. રોલરનો ડ્રાઈવર બીજી તરફ જોઈ રહ્યો હોવાથી તે ખેલાડીને જોઈ શક્યો નહીં. રોલર શરીર પરથી પસાર થતાં ટાઉનસેન્ડની ચીસ સંભળાઈ હતી અને આસપાસના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
આશ્ચર્યજનક રીતે, અકસ્માત પછી પણ ટાઉનસેન્ડ મેચમાંથી બહાર ન થયા. તેમણે પીટી પ્રાચુઆપ ટીમ તરફથી સબસ્ટીટ્યુટ ખેલાડી તરીકે મેદાનમાં પ્રવેશ કર્યો અને ટીમે 3-0થી વિજય મેળવ્યો.
ટાઉનસેન્ડે આ ઘટનાને હળવાશથી લીધી અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને લખ્યું, 'આને એવી રીતે દર્શાવો જાણે આ કોઈ અકસ્માત હોય.' ઉલ્લેખનીય છે કે, અગાઉની ક્લબ કંચનાબુરી પાવર રેલિગેશનમાં જવાને કારણે ટાઉનસેન્ડે ઓગસ્ટ મહિનામાં પીટી પ્રાચુઆપ ક્લબ જોઈન કરી હતી. ઈંગ્લેન્ડ માટે 13 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા ટાઉનસેન્ડનો આ અનુભવ ચાહકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.