ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ'ની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. પીઢ અભિનેતા અનંત નાગને આ વર્ષે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવશે. બુધવારે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
દાદાસાહેબ ફાળકે એવોર્ડ સિલેક્શન કમિટીની ભલામણના આધારે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમના અમૂલ્ય યોગદાન અને પેઢીઓને પ્રેરણા આપતી સિનેમેટિક સફર બદલ તેમને આ સન્માન આપવામાં આવશે.
આ પુરસ્કાર 22 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતના કેવડિયા ખાતે યોજાનારા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ દરમિયાન અનંત નાગને એનાયત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત નાગને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તેમણે લખ્યું, 'અનંત નાગજીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત થવા બદલ હાર્દિક અભિનંદન. છેલ્લા ઘણા દાયકાઓથી તેમના સહજ અભિનય, અસાધારણ વૈવિધ્ય અને તેજસ્વી કલાકારીએ ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડ ફિલ્મ ઉદ્યોગ પર ઊંડી છાપ છોડી છે. તેમણે ભજવેલા દરેક પાત્રમાં અદ્ભુત ઊંડાણ અને પ્રામાણિકતા લાવી આપી છે. એક સાચા પ્રતિષ્ઠિત કલાકાર માટે આ ખરેખર સર્વોચ્ચ અને યોગ્ય સન્માન છે.'
4 સપ્ટેમ્બર 1948ના રોજ જન્મેલા અનંત નાગ કન્નડ સિનેમાના સૌથી આદરણીય નામોમાં મોખરે છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં 250થી વધુ કન્નડ ફિલ્મો સામેલ છે. આ ઉપરાંત તેમણે હિન્દી, તેલુગુ, તમિલ, મરાઠી, મલયાલમ અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં પણ પ્રભાવશાળી અભિનય કર્યો છે.
ફિલ્મો ઉપરાંત, તેઓ નાના પડદા પર પણ ખૂબ જાણીતા છે. દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ 'માલગુડી ડેઝ' (આર. કે. નારાયણની વાર્તાઓ પર આધારિત)માં તેમણે ભજવેલા પાત્રો આજે પણ દર્શકોના મનમાં અંકિત છે.
અનંત નાગને સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ અગાઉ પાંચ વખત 'કર્ણાટક સ્ટેટ ફિલ્મ એવોર્ડ' પ્રાપ્ત થયો છે. ભારત સરકારે 2025માં તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મભૂષણ'થી પણ નવાજ્યા હતા.