દિગ્ગજ અભિનેતા અનંત નાગને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2024 માટે પસંદ કરવામાં આવ્યા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ બુધવારે આ જાહેરાત કરી. 22 સપ્ટેમ્બરે ગુજરાતના કેવડિયામાં યોજાનાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેમને આ સન્માન આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરીને અનંત નાગને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે, ઘણા દાયકાઓ સુધી તેમના સહજ અભિનય અને બહુમુખી પ્રતિભાએ ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડ સિનેમા પર ઊંડી છાપ છોડી છે.
અનંત નાગે બ્લોકબસ્ટર ફિલ્મ 'KGF: ચેપ્ટર 1' (2018)માં વરિષ્ઠ પત્રકાર અને લેખક આનંદ ઇંગલાગીનું મહત્ત્વનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં તેઓ નેરેટર તરીકે જોવા મળ્યા હતા, જે ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (KGF) અને રોકી (યશ)ના ઉદયની ગાથા સંભળાવે છે. તેમના ગંભીર અવાજ, સંતુલિત અભિનય અને વાર્તા કહેવાની શૈલીએ પહેલા ભાગને મજબૂત આધાર આપ્યો હતો. આ પાત્ર માટે તેમણે દર્શકોને શરૂઆતથી અંત સુધી જોડી રાખ્યા, જેણે 'KGF 1'ની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
જોકે, 'KGF: ચેપ્ટર 2' (2022)માં અનંત નાગ જોવા મળ્યા ન હતા. ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલ શરૂઆતમાં ચેપ્ટર 2માં પણ તેમને તે જ ભૂમિકામાં ચાલુ રાખવા માંગતા હતા, પરંતુ વાર્તામાં ફેરફાર અને સ્વાસ્થ્ય કારણોસર તેઓ બીજા ભાગનો હિસ્સો બની શક્યા નહીં.
4 સપ્ટેમ્બર 1948ના રોજ જન્મેલા અનંત નાગ (અનંત નાગરકટ્ટે) કન્નડ સિનેમાના સૌથી સન્માનિત અભિનેતાઓમાંના એક છે. પોતાની લાંબી કારકિર્દી દરમિયાન તેમણે 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં 250થી વધુ કન્નડ ફિલ્મોનો સમાવેશ થાય છે. કન્નડ ઉપરાંત, તેમણે હિન્દી, તેલુગુ, તમિલ, મરાઠી, મલયાલમ અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
ફિલ્મો ઉપરાંત, અનંત નાગને આર.કે. નારાયણની વાર્તાઓ પર આધારિત દૂરદર્શનના લોકપ્રિય સીરિયલ 'માલગુડી ડેઝ'થી ઘેર ઘેર ઓળખ મળી હતી. તેઓ અત્યાર સુધીમાં પાંચ વખત કર્ણાટક રાજ્ય ફિલ્મ પુરસ્કાર જીતી ચૂક્યા છે.
સિનેમા અને કલાના ક્ષેત્રમાં યોગદાન બદલ ભારત સરકારે વર્ષ 2025માં અનંત નાગને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મ ભૂષણ'થી સન્માનિત કર્યા હતા.
દાદા સાહેબ ફાળકે પુરસ્કારને ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે, જે ભારતીય સિનેમાના વિકાસ અને પ્રગતિમાં કોઈ વ્યક્તિના વિશેષ યોગદાન માટે આપવામાં આવે છે.
1954માં ભારત સરકારે રાષ્ટ્રીય સ્તરે ફિલ્મ જગત સાથે જોડાયેલું સન્માન આપવા માટે નેશનલ એવોર્ડની શરૂઆત કરી હતી. તેનો પાયો ભારતીય સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપવા માટે નાખવામાં આવ્યો હતો. 10 ઓક્ટોબર 1954ના રોજ નેશનલ એવોર્ડની પ્રથમ સેરેમની યોજાઈ હતી, જેમાં મરાઠી ફિલ્મ 'શ્યામચી આઈ'ને બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો.
વર્ષ 1969માં નેશનલ એવોર્ડમાં હિન્દી સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેના સન્માનમાં નવી કેટેગરી દાદાસાહેબ ફાળકે એવોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 1969માં દેવિકા રાણી દાદાસાહેબ ફાળકે એવોર્ડ જીતનાર પ્રથમ ફિલ્મ હસ્તી બન્યા હતા. ત્યારથી લઈને આજ સુધી લગભગ 54 લોકો દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવી ચૂક્યા છે. તેને ફિલ્મ જગતનું સૌથી ગૌરવપૂર્ણ સન્માન કહેવામાં આવે છે. 2024માં આ એવોર્ડ મિથુન ચક્રવર્તીને મળ્યો હતો, જ્યારે 2025માં આ એવોર્ડ મોહનલાલને મળ્યો હતો.