મુંબઈમાં બ્લિંકિટ માટે સાયકલ પર ડિલિવરી કરતા એક યુવકને અનંત અંબાણી તરફથી નવું સ્કૂટર ભેટમાં મળ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.
બ્લિંકિટના ડિલિવરી એજન્ટ સુજીત સાયકલથી ઓર્ડર પહોંચાડતો હતો. તેની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તે પોતાના માટે સ્કૂટર ખરીદી શકે. સમાજસેવી અને ઇન્ફ્લુએન્સર હુસૈન મન્સૂરીએ સુજીત સાથે વાત કરી અને પૂછ્યું કે તે બાઇક કેમ નથી ખરીદતો. જવાબમાં સુજીતે કહ્યું, 'સર, આટલા ઓછા પૈસામાં બાઇક ક્યાંથી લઈ શકું? મોંઘવારી પણ બહુ છે.'
ત્યારબાદ મન્સૂરીએ સુજીતને ડિલિવરી પૂરી કરીને પાછા આવવા કહ્યું અને એક સરપ્રાઇઝનું વચન આપ્યું. જ્યારે સુજીત પાછો આવ્યો, ત્યારે મન્સૂરીએ તેની આંખો પર પટ્ટી બાંધી અને લાલ કવરમાં ઢાંકેલી ગિફ્ટ પાસે લઈ ગયા. લાલ કવર હટાવતાં સુજીતને નવું સ્કૂટર દેખાયું. મન્સૂરીએ જણાવ્યું કે આ સ્કૂટર અનંત અંબાણી તરફથી તેને ભેટ છે.
આ સાંભળીને સુજીત ભાવુક થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તે કંઈ બોલી શક્યો નહીં અને મન્સૂરીને ભેટી પડ્યો. થોડી વાર પછી તેણે ધીમેથી કહ્યું, 'થેન્ક યુ સર.'
અહેવાલો અનુસાર આ ભેટ અનંત સેવા ફાઉન્ડેશનની પહેલ હેઠળ આપવામાં આવી છે. રાહુલ કનાલ અને હુસૈન મન્સૂરી મળીને મુંબઈમાં મહેનતુ લોકોને ઇલેક્ટ્રિક બાઇક ભેટ આપી રહ્યા છે. આ પહેલ એવા લોકો માટે છે જે વહેલી સવારે નીકળી પડે છે અને શહેરને ચલાવવામાં પોતાનું યોગદાન આપે છે.
આ વીડિયાને અત્યાર સુધીમાં 46 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને યુઝર્સ સકારાત્મક કોમેન્ટ દ્વારા પ્રશંસા કરી રહ્યા છે.