વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે મુંબઈમાં યોજાયેલી બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સાથે રાજ્યમાં લાંબા ગાળાના આર્થિક વિકાસ અને રોકાણની તકો અંગે વાત કરી હતી.
બેઠક બાદ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ટી20 મેચની જેમ ટૂંકા ગાળાના લાભને બદલે ટેસ્ટ મેચની જેમ લાંબા ગાળાના ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે જણાવ્યું કે આ નીતિથી આર્થિક વિકાસની ગતિ ધીમી થવાનો ઈરાદો નથી, પરંતુ સ્થિર અને મજબૂત આર્થિક પાયો તૈયાર થઈ રહ્યો છે.
મહિન્દ્રાના આ હકારાત્મક પ્રતિભાવથી વૈશ્વિક ઉદ્યોગજગતમાં ગુજરાત પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટને કારણે આગામી સમયમાં રાજ્યમાં મોટા પ્રમાણમાં સ્થાનિક અને વિદેશી રોકાણ આવવાની શક્યતા છે, જે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.