સત્ય. સાહસ. સંકલ્પ.

આણંદના કાસોર ગામમાં 9.5 ફૂટનો મગર દેખાયો, વન વિભાગે સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું

આણંદના કાસોર ગામમાં 9.5 ફૂટનો મગર દેખાયો, વન વિભાગે સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના કાસોર ગામમાં રહેણાક વિસ્તારમાં સાડા નવ ફૂટ લાંબો મગર દેખાતાં સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગામના કોડેર વિસ્તારમાં મગર જોવા મળતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, કોડેર વિસ્તારમાં વિઠ્ઠલશના પરમાર નામના વ્યક્તિના ઘરની નજીક આ મહાકાય મગર જોવા મળ્યો હતો. મગરની લંબાઈ આશરે સાડા નવ ફૂટ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. રહેણાક વિસ્તારમાં મગર દેખાતાં સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં કરમસદ અને સોજીત્રા વન વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બંને ટીમોએ સંયુક્ત રીતે મગરને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ મગરનું સફળતાપૂર્વક અને સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યૂ કર્યા બાદ આસપાસના વિસ્તારનું નિરીક્ષણ પણ કર્યું હતું. ચોમાસા દરમિયાન નદી, તળાવ કે જળાશયોમાંથી મગરો રહેણાક વિસ્તારોમાં આવી પહોંચવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકોએ મગર દેખાય તો તેની નજીક જવાનું કે તેને પકડવાનો પ્રયાસ કરવાને બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જોઈએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.