સત્ય. સાહસ. સંકલ્પ.

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, પાંચના મોત, પાંચ ઘાયલ

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, પાંચના મોત, પાંચ ઘાયલ

આણંદ જિલ્લાના બોરિયાવી ગામ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત થયો છે. સુરતથી ઉદયપુર જઈ રહેલી સાંઈદર્શન ટ્રાવેલ્સની લક્ઝરી બસ આગળ જઈ રહેલા એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા છે, જ્યારે પાંચ અન્ય લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત મધરાત્રે આશરે અઢી વાગ્યાના સમયે થયો હતો. મૃતકોમાંથી ચાર મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બાકીના એકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ઓવરટેક કરવાના પ્રયાસ દરમિયાન બસ ટ્રક સાથે અથડાઈ હતી. જોકે, અકસ્માતના સાચા કારણ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે અને વધુ વિગતો હજુ સુધી જાહેર થઈ નથી.

આ ઘટના બાદ હાઈવે પર ટ્રાફિકને અસર થઈ હતી, જેને પોલીસે થોડા સમયમાં ખોલી નાખ્યો હતો. મૃતકોની ઓળખ અંગેની વિગતો સત્તાવાર રીતે જાહેર થઈ નથી. આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પર ઝડપ અને ઓવરટેકિંગને લઈને ચિંતા વધારી છે.