સત્ય. સાહસ. સંકલ્પ.

આણંદમાં પ્રથમ બ્રાહ્મણ મહાસંમેલન: 20 નવેમ્બરે 10 હજાર ભૂદેવો એકત્ર થશે

આણંદમાં પ્રથમ બ્રાહ્મણ મહાસંમેલન: 20 નવેમ્બરે 10 હજાર ભૂદેવો એકત્ર થશે

ગુજરાતની વિદ્યાનગરી તરીકે ઓળખાતા આણંદમાં 20 નવેમ્બરે પ્રથમ વખત બ્રાહ્મણ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં રાજ્યભરમાંથી લગભગ 10 હજાર બ્રાહ્મણો ભાગ લેશે. આ સાથે જ મોટી સંખ્યામાં Gen-Z યુવાનો પણ આ સંમેલનમાં જોડાશે, જે સમાજના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ મહાસંમેલનના માધ્યમથી બ્રાહ્મણ સમાજ સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરશે. જેમાં મુખ્યત્વે કર્મકાંડને વ્યવસાય તરીકે માન્યતા આપવાની માંગ સામેલ છે. ઉપરાંત EWS કેટેગરીના લાભો છેવાડાના બ્રાહ્મણો સુધી પહોંચે તે માટે પણ પ્રયાસો કરવાની માંગ કરાશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના બ્રાહ્મણ ધારાસભ્યોને લઈને બ્રાહ્મણ આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. આગેવાનોનો આક્ષેપ છે કે આ ધારાસભ્યો સમાજ માટે કોઈ રજૂઆત કરતા નથી. આ સંમેલન દ્વારા બ્રાહ્મણ સમાજ તેમની લાગણી અને માંગણી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે.

આ સંમેલન એ સમયે યોજાઈ રહ્યું છે જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ્ઞાતિગત સમીકરણો ગોઠવવાની શરૂઆત થઈ છે. કોળી સમાજે પોતાને પ્રભુત્વ આપવા અને વસ્તીના પ્રમાણમાં ટિકિટની ફાળવણી તેમજ યોગ્ય નેતૃત્વ આપવાની માંગ કરી છે. બીજી તરફ પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલનનો મુદ્દો ઉઠાવીને પાટીદાર નેતા આનંદીબેનના પદનો ભોગ લેવાયો હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. ખોડલધામના સંગઠન અધ્યક્ષ અનાર પટેલને હવે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે તેવો ગણગણાટ પણ શરૂ થયો છે. આમ, ચૂંટણી પહેલા મોટાભાગના સમાજો દ્વારા તેમની રાજકીય સોગઠાબાજી ગોઠવવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં બ્રાહ્મણ સમાજનું આ સંમેલન પણ એક પ્રયાસ છે.