સત્ય. સાહસ. સંકલ્પ.

આણંદ-બોરસદ માર્ગે બે બાઇક વચ્ચે અકસ્માત, ત્રણ યુવકોના મોત; ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત

આણંદ-બોરસદ માર્ગે બે બાઇક વચ્ચે અકસ્માત, ત્રણ યુવકોના મોત; ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત

આણંદ-બોરસદ માર્ગ પર વાંસખીલીયા નજીક નિજાનંદ રિસોર્ટ પાસે મોડી રાત્રે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને બાઇકના ટુકડા થઈ ગયા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.

મૃતકોમાં આણંદના નાપા વાંટા ગામના 19 વર્ષીય અરમાન રાણા અને સમીર રાણા તથા બોરસદના અંસાર ઝુબેર બેલીમનો સમાવેશ થાય છે. ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં નાપા વાંટાના તનવીર રાણા, બોરસદના અસલમખાન અને ઝુબેર કાઝી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક કરમસદ મેડિકલ અને આણંદ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. યુવકોના અકાળ મોતથી બોરસદ અને નાપા વાંટા ગામમાં શોકનો માહોલ છે. આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

બીજી ઘટનામાં લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર મોડેલ સ્કૂલ નજીક ડમ્પર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. લીંબડીથી સાયલા તરફ જઈ રહેલા ડમ્પર પાછળ સુરતથી જામનગર જઈ રહેલું ખાલી ટેન્કર ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો. ઘટનામાં ડમ્પર ચાલક જીજ્ઞેશ રબારી, તેમનો ભાણો કુલદીપ અને ટેન્કર ચાલક ઝુલ્ફીકાન્ત ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની જાણ થતાં બે 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. બંને વાહનચાલકોને ગંભીર ઈજાઓ હોવાથી પ્રાથમિક સારવાર બાદ સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે. લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાઈ છે.

રવિવારે ગોંડલ તાલુકાના ઘોઘાવદર અને રામોદ વચ્ચે ટાટા નેક્સન કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. પરિવાર સ્વજનની ખબર કાઢવા જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત નડ્યો હતો. મૃતકોમાં 40 વર્ષીય જયેશભાઈ બગડા, તેમના 36 વર્ષીય પત્ની શાંતુબેન બગડા અને 13 વર્ષીય પુત્ર વ્રજ બગડાનો સમાવેશ થાય છે. પરિવારની 16 વર્ષીય દીકરીએ એક જ ક્ષણમાં માતા-પિતા અને ભાઈ ગુમાવ્યા છે.