સત્ય. સાહસ. સંકલ્પ.

અનાક ક્રાકાટોઆ વિસ્ફોટ: 50,000 ફૂટ સુધી રાખ, 209 ફ્લાઈટ્સ પ્રભાવિત, જાનહાનિ નહીં

અનાક ક્રાકાટોઆ વિસ્ફોટ: 50,000 ફૂટ સુધી રાખ, 209 ફ્લાઈટ્સ પ્રભાવિત, જાનહાનિ નહીં

ઈન્ડોનેશિયામાં રવિવારે વહેલી સવારે અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટતાં આકાશમાં 50,000 ફૂટ સુધી રાખના વાદળો ફેલાયા હતા. જાવા અને સુમાત્રા ટાપુઓ વચ્ચે સુન્ડા ખાડીમાં આવેલા આ જ્વાળામુખીમાં સવારે 3:53 વાગ્યે આશરે 30 સેકન્ડ સુધી વિસ્ફોટ નોંધાયો હતો. કેમેરામાં લાવા નીકળતો સ્પષ્ટ દેખાયો હતો.

રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સૌથી નજીકની વસ્તી 16 કિલોમીટર દૂર હોવા છતાં સાવચેતીના ભાગરૂપે લોકોને સક્રિય ક્રેટરથી ઓછામાં ઓછા 3 કિલોમીટર દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

વિસ્ફોટ પછી રાખ બે અલગ-અલગ દિશામાં ફેલાઈ હતી. 20,000 ફૂટ ઊંચો ગોટો ઉત્તર-પૂર્વ તરફ આગળ વધતા જકાર્તા, બેન્ટેન અને પશ્ચિમ જાવાના ભાગો પ્રભાવિત થયા હતા. જ્યારે 50,000 ફૂટ ઊંચાઈએ પહોંચેલો બીજો ગોટો પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ સરકતાં બેન્ટેન, લેમ્પુંગ, બેંગકુલુ અને હિંદ મહાસાગરના વિસ્તારો સુધી પહોંચી ગયો હતો.

રાખના જોખમને પગલે જકાર્તાના સોએકાર્નો-હટ્ટા એરપોર્ટ પર સવારે 5:30થી 9:30 વાગ્યા સુધી ફ્લાઈટ સંચાલન બંધ રાખવામાં આવ્યું હતું. આ કારણે દિવસ દરમિયાન 209 ફ્લાઈટ્સને અસર થઈ હતી અને આશરે 22,800 મુસાફરો અટવાઈ પડ્યા હતા. સિંગાપોર, હોંગકોંગ, સિડની, દોહા અને કુઆલાલમ્પુર સહિતના આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ફ્લાઈટ્સ રદ કે મોડી પડી હતી, જ્યારે 170 વિમાનો એરપોર્ટ પર જ ગ્રાઉન્ડેડ રહ્યા હતા.

અનાક ક્રાકાટોઆ હાલમાં ચાર સ્તરની ચેતવણી વ્યવસ્થામાં બીજા સૌથી ઊંચા સ્તરે છે. વર્ષ 2018માં આ જ્વાળામુખી ફાટ્યા બાદ સર્જાયેલી ભયાનક સુનામીમાં 430થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, તે વિસ્ફોટ પછી આ જ્વાળામુખી ટાપુ પોતાના મૂળ કદ કરતાં ચોથા ભાગનો જ રહી ગયો છે.