સત્ય. સાહસ. સંકલ્પ.

ડેનમાર્ક ઓપન જીતીને આન સે-યંગ બની સૌથી વધુ ટાઇટલ જીતનારી મહિલા ખેલાડી, સુસી સુસાંતીનો 29 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ડેનમાર્ક ઓપન જીતીને આન સે-યંગ બની સૌથી વધુ ટાઇટલ જીતનારી મહિલા ખેલાડી, સુસી સુસાંતીનો 29 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

દક્ષિણ કોરિયાની બેડમિન્ટન સ્ટાર આન સે-યંગે મહિલા સિંગલ્સમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટાઇટલ જીતવાનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે રવિવારે ડેનમાર્ક ઓપનની ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને 21-23, 21-14, 21-18થી હરાવીને આ સિદ્ધિ મેળવી.

ડેનમાર્કના ઓડેન્સ શહેરમાં રમાયેલી આ ફાઇનલ જીત સાથે આન સે-યંગના આંતરરાષ્ટ્રીય ટાઇટલની સંખ્યા 47 થઈ ગઈ છે. તેમણે ઇન્ડોનેશિયાની દિગ્ગજ ખેલાડી સુસી સુસાંતીના 46 ટાઇટલના 29 વર્ષ જૂના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF)એ આ રેકોર્ડની પુષ્ટિ કરી છે. BWF 1989થી રેકોર્ડ રાખે છે, જેમાં પ્રાદેશિક ટુર્નામેન્ટમાં જીતેલા ખિતાબોનો સમાવેશ થતો નથી. BWFએ 24 વર્ષીય આન સે-યંગને ‘સર્વકાલીન મહાન ખેલાડી’ ગણાવી છે.

વિજય બાદ આન સે-યંગે કહ્યું, ‘હું ઘણો ઇતિહાસ રચવા અને રેકોર્ડ તોડવા માગું છું, પરંતુ એક સમયે એક મેચ પર ધ્યાન આપું છું.’ તેમણે ઉમેર્યું, ‘આ જ મારી પ્રેરણા છે. દર્શકો મારા માટે આવે છે અને મને ખુશી છે કે લોકોને મારી દરેક મેચ ગમે છે.’

વિશ્વની નંબર-1 ખેલાડી આન સતત 105 અઠવાડિયાથી ટોચની રેન્કિંગ પર છે. તેમણે 2025માં એક સીઝનમાં રેકોર્ડ 11 ખિતાબ જીત્યા હતા. આ વર્ષે પણ તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે.

ફાઇનલમાં આન સે-યંગ પ્રથમ ગેમ 21-23થી હારી ગઈ હતી. તેણે બીજી ગેમમાં જોરદાર વાપસી કરીને 21-14થી જીતી લીધી, જેથી મુકાબલો નિર્ણાયક ગેમમાં પહોંચ્યો. ત્રીજી ગેમમાં આન એક સમયે 5-11થી પાછળ હતી અને કોર્ટ પર લપસી પડ્યા બાદ તેના જમણા પગના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેમ છતાં તેણે પોતાની લય પાછી મેળવી, કોર્ટના ધીમા ભાગનો ફાયદો ઉઠાવ્યો અને ત્રીજી ગેમ 21-18થી જીતી લીધી.

મેચ બાદ આને કહ્યું, ‘કોર્ટ ખરાબ હતો અને હું લપસી ગઈ. હું મારા શરીરની તપાસ કરાવીશ અને મારા કોચ સાથે વાત કરીશ.’ તેમણે ઉમેર્યું, ‘અંતિમ ગેમમાં હું કોર્ટના ધીમા ભાગમાં હતી અને મને વધુ આત્મવિશ્વાસ હતો.’

આ સીઝનમાં આન સે-યંગે BWF વર્લ્ડ ટૂરના છ સિંગલ્સ અને કુલ 9 ખિતાબ જીત્યા છે. તેણે એશિયન ચેમ્પિયનશિપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં પણ મોટા ખિતાબ મેળવ્યા છે. ટીમ સ્પર્ધાઓમાં પણ તેને સફળતા મળી છે. 2026માં તેને અત્યાર સુધી માત્ર એક જ હાર મળી છે, જ્યારે માર્ચમાં ઓલ ઈંગ્લેન્ડ ઓપનની ફાઇનલમાં ચીનની વાંગ ઝિયીએ તેને હરાવી હતી.