સત્ય. સાહસ. સંકલ્પ.

અમૂલ દૂધના ભાવમાં વધારો: ગોલ્ડ પ્રતિ લિટર 4 રૂપિયા મોંઘું, 12 નવેમ્બરથી અમલ

અમૂલ દૂધના ભાવમાં વધારો: ગોલ્ડ પ્રતિ લિટર 4 રૂપિયા મોંઘું, 12 નવેમ્બરથી અમલ

આણંદ: આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ અનુસાર, અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર ₹4 (5.5 ટકા)નો વધારો કરાયો છે, જેથી હવે અમૂલ ગોલ્ડનો ભાવ ₹70 થી વધીને ₹74 પ્રતિ લિટર થશે. ઉપરાંત, અમૂલ તાજા દૂધના ભાવમાં પણ પ્રતિ લિટર ₹2 (3.3 ટકા)નો વધારો કરવામાં આવ્યો છે. લીલા અને સૂકા ઘાસચારા, પશુ આહાર તેમજ પેકિંગ ખર્ચમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવાયો છે. દૂધમાં કરવામાં આવેલો આ નવો ભાવ વધારો આવતીકાલ એટલે કે 12 નવેમ્બરથી અમલમાં આવશે.

આજે સવારે મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારબાદ દેશની મુખ્ય ડેરી અમૂલે પણ દૂધના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. અહેવાલો મુજબ, અમૂલ ગોલ્ડ દૂધની કિંમતમાં 4 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ તાજાની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.

આ નિર્ણયની અસર એવા પરિવારોના માસિક બજેટ પર પડી શકે છે, જેમના ઘરમાં દરરોજ અમૂલ દૂધનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ચા, કોફી, બાળકોના દૂધ અને અન્ય જરૂરિયાતો માટે દરરોજ દૂધ ખરીદતા લોકોને હવે પહેલા કરતાં વધુ ખર્ચ કરવો પડશે.

અમૂલે સમગ્ર ભારતમાં તેની ફ્રેશ પાઉચ દૂધની વેરાયટીના ભાવમાં 4-5% વધારો કરવાની જાહેરાત કરી છે, જે 12 નવેમ્બર, 2026થી અમલમાં આવશે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ આ વધારો ઘાસચારો, પશુ આહાર, પેકિંગ સામગ્રી અને ફ્યુઅલ સહિતના ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો હોવાનું જણાવ્યું છે. ફેડરેશને કહ્યું છે કે આ ભાવ સુધારણાથી દૂધ ઉત્પાદકોને વધુ સારું વળતર મળશે અને વધેલી આવકનો મોટો હિસ્સો ખેડૂતોને પરત મળશે.