ગુજરાતમાં અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો કર્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ ઉત્પાદન ખર્ચ વધવાનું કારણ આપીને રાજ્યભરમાં નવા ભાવ અમલમાં મૂક્યા છે.
અમૂલ મસ્તી દહીંના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો થયો છે. હવે 1 કિલોગ્રામ અમૂલ મસ્તી દહીં 85 રૂપિયામાં મળશે. 380 ગ્રામના પેકેટની નવી કિંમત 37 રૂપિયા થઈ છે. ઘરવપરાશ અને નાના વેપારીઓ માટેના 1 કિલોના બકેટના ભાવમાં પણ 5 રૂપિયાનો વધારો થયો છે, જે હવે 120 રૂપિયામાં મળશે.
દહીં ઉપરાંત અમૂલ પ્રો. બાયોટિક રોઝ લસ્સીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે. તેની નવી કિંમત 17 રૂપિયા થઈ છે.
ડેરી ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, કાચા માલની ખરીદી, પેકેજિંગ સામગ્રી તથા પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે, પહેલેથી જ મોંઘવારીના બોજ હેઠળ દબાયેલા મધ્યમ વર્ગના પરિવારો માટે આ ચીજવસ્તુઓ મોંઘી થવાથી રસોડાનું માસિક બજેટ પ્રભાવિત થયું છે. દૂધ બાદ ડેરી પ્રોડક્ટ્સના ભાવ સતત વધતા ગ્રાહકોમાં ચિંતા છે. જો આગામી સમયમાં આર્થિક રાહત ન મળે તો દૈનિક જરૂરિયાતો પૂરી કરવી વધુ મુશ્કેલ બની શકે છે.