અમૂલે દૂધ બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો કર્યો છે. કંપનીએ કોઈ પૂર્વ જાહેરાત વગર 14 નવેમ્બરથી નવા ભાવ લાગુ કરી દીધા છે. આ વધારાને કારણે ગ્રાહકોને હવે વધુ ચૂકવવું પડશે.
અમૂલ મસ્તી દહીં (1 કિલો)નો ભાવ ₹80થી વધીને ₹85 થયો છે, જ્યારે 380 ગ્રામ પેકનો ભાવ ₹35થી વધીને ₹37 થયો છે. તેમજ અમૂલ મસ્તી દહીં બકેટ (1 કિલો)નો ભાવ ₹115થી વધીને ₹120 થયો છે. અમૂલ પ્રો-બાયોટિક રોઝ લસ્સીનો ભાવ ₹15થી વધીને ₹17 થયો છે.
આ પહેલાં બે દિવસ પહેલાં દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. અમૂલની મુખ્ય કંપની ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચમાં ઝડપી વધારો થયો છે. લીલા અને સૂકા ચારા, પશુ આહારમાં વપરાતો ખોળ, મકાઈ અને ગોળની રસી (શીરા)ના ભાવ વધ્યા છે. ઉપરાંત પેકેજિંગ ફિલ્મ અને બળતણ પણ મોંઘા થયા છે.
કંપનીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત અને દેશના ઘણા ભાગોમાં ઓછો અને અનિયમિત વરસાદ થવાને કારણે પરિસ્થિતિ પડકારજનક છે. આવી સ્થિતિમાં દૂધ ઉત્પાદકોને શ્રેષ્ઠ ભાવ આપવા અને મુશ્કેલ સમયમાં તેમને સાથ આપવા માટે ઉપભોક્તાઓ માટે ભાવ વધારવા જરૂરી બન્યા હતા.