દૂધ અને દહીંના ભાવમાં વધારા બાદ હવે અમૂલે છાશના પેકેટમાં પણ માત્રા ઘટાડી છે. કંપનીએ ભાવ સીધા ન વધારતાં પાઉચની માત્રામાં 10 મિલીથી 30 મિલી સુધીનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયને કારણે ગ્રાહકોમાં અસંતોષ છે, કારણ કે તેમને એ જ કિંમત ચૂકવવા છતાં ઓછી છાશ મળશે. કિંમત યથાવત્ રાખીને જથ્થો ઘટાડવાની આ પદ્ધતિને અર્થશાસ્ત્રમાં 'શ્રિંકફ્લેશન' કહેવામાં આવે છે.
અમૂલે છાશના જથ્થામાં કરેલા ઘટાડા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ગઈકાલે (14 નવેમ્બરે) દહીં અને લસ્સીના ભાવ વધાર્યા બાદ સતત બીજા દિવસે અમૂલે ગ્રાહકોને બીજો ઝટકો આપ્યો છે.
અલગ-અલગ કિંમતના છાશના પાઉચમાં કરવામાં આવેલા ઘટાડા નીચે મુજબ છે:
- 20 રૂપિયાનું પાઉચ: અગાઉ 650 મિલી છાશ મળતી હતી, જે હવે ઘટાડીને 620 મિલી કરવામાં આવી છે. આ પાઉચમાં 30 મિલીનો ઘટાડો થયો છે.
- 10 રૂપિયાનું પાઉચ: અગાઉ 300 મિલી છાશ આવતી હતી, જે હવે 280 મિલી મળશે. અહીં 20 મિલીનો ઘટાડો કરાયો છે.
- 5 રૂપિયાની જીરા છાશ: અગાઉ 150 મિલી છાશ મળતી હતી, જે હવે ઘટાડીને 140 મિલી કરવામાં આવી છે. તેમાં 10 મિલીનો ઘટાડો નોંધાયો છે.
અમૂલે કોઈપણ પૂર્વ જાહેરાત વગર 14 નવેમ્બરથી જ આ નવા ભાવ વધારાનો અમલ શરૂ કરી દીધો છે, જેના કારણે ગ્રાહકોને હવે ખરીદી માટે વધુ કિંમત ચૂકવવી પડશે. અમૂલની પ્રોડક્ટ પર કરાયેલા ભાવવધારા અંગે કંપની તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જોકે, અમૂલના પાર્લર પર આજે વેચાણ માટે મૂકાયેલી દહીં અને લસ્સીની વેચાણ કિંમતમાં નવા ભાવ લખવામાં આવ્યા હતા.