અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળને કારણે એએમટીએસની (AMTS) શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ માટે જાહેર કરાયેલી વિશેષ દેરાસર દર્શન બસ સેવા ચાર દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. આ સેવા 8 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ હવે તે 11 સપ્ટેમ્બરથી શરૂ થશે.
એએમટીએસ સમિતિના ચેરમેને જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમિયાન ભાવિકોને શહેર તથા આસપાસના વિવિધ દેરાસરોના દર્શન કરાવવા માટે નોન-એસી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, હાલમાં ચાલી રહેલી રિક્ષા-ટેક્સી હડતાળના કારણે ઊભી થયેલી આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સેવા 7થી 10 સપ્ટેમ્બર સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
11 સપ્ટેમ્બરથી શરૂ થનારી વિશેષ બસ સેવામાં ભાવિકોને નિર્ધારિત રૂટ મુજબ અનેક દેરાસરોમાં દર્શન કરાવવામાં આવશે. બસ સવારે 8.15 વાગ્યે ઉપડશે અને સાંજે 4.45 વાગ્યે પરત ફરશે. આ પ્રવાસ માટે લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણીનગર ટર્મિનસ પરથી બુકિંગ કરાવી શકાશે.
બુકિંગ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના નાગરિકોએ 3,000 રૂપિયા અને ઔડા વિસ્તારના નાગરિકોએ 5,000 રૂપિયા ચૂકવવાના રહેશે. બુકિંગ વખતે પ્રોપર્ટી ટેક્સ બિલ અને ભરેલી પહોંચની નકલ રજૂ કરવાની રહેશે. એક બસમાં સામાન્ય રીતે 30 લોકો બેસી શકે છે, પરંતુ મહત્તમ 40 લોકોને લઈ જવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ વિશેષ બસ સેવામાં હઠીસીંગની વાડી-માધુપુરા, રાજપુર-ગોમતીપુર, પદ્માવતી માતાજી-નરોડા, કોબા, તપોવન-મોટેરા, મેરૂધામ તીર્થ, ઓગણજ, શેરીસા, ગોકુલ ધામ, ગોધાવી, બાકરોલ, સરખેજ, હાથીજણ, પ્રેરણાતીર્થ, આદેશ્વર જૈન દેરાસર-શાહપુર, જગ વલ્લભ પાર્શ્વનાથ-રિલીફ રોડ, હરીપુરા, દેવકીનંદન જૈન સંઘ-નારણપુરા અને આંબલી જૈન સંઘ સહિતના દેરાસરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.