અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પલ્લવ ચાર રસ્તા પાસે AMTS બસે એક બાઇકચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇકચાલકને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી અનુસાર, રૂટ નંબર 160ની આ બસ હાટકેશ્વરથી સિલ્વર ઓક યુનિવર્સિટી તરફ જઈ રહી હતી. નારણપુરાના પલ્લવ ચાર રસ્તા નજીક બસના ચાલકે કાબૂ ગુમાવતાં બાઇકચાલકને ટક્કર વાગી હતી. ટક્કરના કારણે બાઇકચાલક રોડ પર પટકાયો અને તેને માથામાં ગંભીર ઈજા થઈ.
અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ અકસ્માત બાદ AMTS બસોની ઝડપ અંગે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.