સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલી: રાજુલા-પીપાવાવ ટ્રેકના વન્યજીવ સુરક્ષા કર્મચારીઓની પગાર-PF માંગણી, 27 ઓક્ટોબરથી હડતાળની ચેતવણી

અમરેલી: રાજુલા-પીપાવાવ ટ્રેકના વન્યજીવ સુરક્ષા કર્મચારીઓની પગાર-PF માંગણી, 27 ઓક્ટોબરથી હડતાળની ચેતવણી

અમરેલી જિલ્લાના રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર વન્યપ્રાણીઓની સુરક્ષા માટે કાર્યરત કર્મચારીઓએ બાકી પગાર, પીએફ અને સલામતી સાધનોને લઈને વહીવટી તંત્ર સામે રજૂઆત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે 26 ઓક્ટોબર, 2026 સુધીમાં તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો તેઓ 27 ઓક્ટોબર, 2026થી ભેરાઈ ખાતેના રેલવે ફાટક નંબર 13 પાસે ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ હડતાળ પર ઉતરશે.

કર્મચારીઓએ જણાવ્યું કે અગાઉની એજન્સી છઠ્ઠા મહિને કામગીરીમાંથી છૂટી ગઈ હતી, પરંતુ તેનો એક મહિનાનો પગાર અને ચાર મહિનાનું પીએફ હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી. વર્તમાન કામગીરીમાં પણ તેમના વેતનમાં ઘટાડો થઈ રહ્યો હોવાની ફરિયાદ તેમણે કરી છે.

કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં બાકી પગાર અને પીએફની તાત્કાલિક તપાસ કરી નિયમ મુજબ ચૂકવણી કરવી, વર્તમાન અને અગાઉની એજન્સીના હિસાબોની સઘન તપાસ કરવી, પગાર સમયસર ચૂકવવો તથા કાયદા મુજબ વેતન, બોનસ અને અન્ય લાભો આપવા, નિયમ વિરુદ્ધ આઠ કલાકથી વધુ કામ ન કરાવવું અને ઓવરટાઇમનું યોગ્ય વળતર ચૂકવવું, વન્યપ્રાણીઓના ક્રોસિંગ સંબંધિત જોખમી કામગીરી માટે જરૂરી સલામતી સાધનો અને સુવિધાઓ પૂરી પાડવી, કર્મચારીઓને ધમકી આપનાર જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી કરવી તેમજ હાલની એજન્સીની કામગીરીની તપાસ કરી જરૂર જણાય તો નવી એજન્સીની નિમણૂક કરવાનો સમાવેશ થાય છે.

રાજુલા-પીપાવાવ ટ્રેક પર સિંહ સહિતના વન્યપ્રાણીઓની અવરજવર રહે છે અને તેમની સુરક્ષા આ કર્મચારીઓની કામગીરી સાથે સીધી રીતે જોડાયેલી છે. તેથી હડતાળ થવાથી વન્યપ્રાણીઓની સુરક્ષા વ્યવસ્થા અને રેલવેની કામગીરી પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. કર્મચારીઓએ તંત્રને પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા અને માંગણીઓ અંગે યોગ્ય તપાસ કરી ન્યાયસંગત કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.