સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીમાં 24 કલાકમાં બે સિંહણ કૂવામાં પડી, વન વિભાગે રાત્રે બચાવી

અમરેલીમાં 24 કલાકમાં બે સિંહણ કૂવામાં પડી, વન વિભાગે રાત્રે બચાવી

અમરેલી જિલ્લામાં 24 કલાકની અંદર બે સિંહણ કૂવામાં પડી જવાની ઘટના સામે આવી છે. બંનેને વન વિભાગની ટીમોએ મોડી રાત્રે રેસ્ક્યૂ કરીને પાંજરે પૂરી હતી.

પ્રથમ ઘટના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામની છે. શિકારની શોધમાં નીકળેલી સિંહણ પાણી પુરવઠાના ખાલી કૂવામાં પડી ગઈ હતી. રાત્રિના અંધારામાં આ બનાવની જાણ થતાં સ્થાનિક વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

વન વિભાગની ટીમે કૂવામાં રીંગ કેચ પાંજરું ઉતારીને સિંહણને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી. લગભગ છ કલાકની જહેમત બાદ સિંહણને પાંજરે પૂરી શકાઈ. બાબરકોટ અને આસપાસના વિસ્તારોમાં સિંહોના વસવાટને કારણે સ્થાનિક લોકોમાં વન્યજીવોના હુમલાનો ભય રહે છે.

બીજી ઘટના ધારી તાલુકાના વીરપુર ગામમાં બની. ભાભલુંભાઈ ધાખડાની વાડીમાં ડુક્કરનો શિકાર કરવા પાછળ દોડેલી સિંહણ અને શિકાર બંને પાણી ભરેલા કૂવામાં પડી ગયા હતા. સિંહણ કૂવામાં પડી હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું અને ભારે જહેમત બાદ સિંહણને કૂવામાંથી બહાર કાઢી પાંજરે પૂરી. બાદમાં તેને ધારી ખાતેના એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવી છે.

સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આવાસ અને માનવ વસાહતો વચ્ચેનું અંતર ઘટતાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ખુલ્લા કૂવા અને બિનઢાંકેલા પાણીના સ્રોતો વન્યજીવો માટે જોખમરૂપ બની રહ્યા છે.