સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીમાં 24 કલાકમાં ચાર આપઘાત: આર્થિક તંગી, કૌટુંબિક કલેશ અને નાની બોલાચાલીમાં ગયા જીવ

અમરેલીમાં 24 કલાકમાં ચાર આપઘાત: આર્થિક તંગી, કૌટુંબિક કલેશ અને નાની બોલાચાલીમાં ગયા જીવ

અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાર અલગ-અલગ બનાવોમાં ચાર લોકોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. મૃતકોમાં એક 17 વર્ષની સગીરા પણ છે. આર્થિક તંગી, કૌટુંબિક કલેશ અને રોજિંદી નાની બોલાચાલીને કારણે આ પગલાં લેવાયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ચારેય બનાવોમાં સંબંધિત પોલીસ સ્ટેશનોએ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

વડિયા: વડિયા ગામે રહેતા અને હેર સલૂન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા 47 વર્ષીય વિપુલ રાવરાણીએ ખટારા વાહનની લોનના હપ્તા વધી જતાં આર્થિક તંગી અનુભવી હતી. આ ભારણથી કંટાળીને તેમણે ઝેરી દવા પી લીધી હતી. તેમને વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ખાંભા (પીપળવા): ખાંભા તાલુકાના પીપળવા ગામે 23 વર્ષીય જયદીપ ઝાલાની પત્ની પિયર રીસામણે ચાલી ગઈ હતી. આ વાતનું મનમાં લાગી આવતાં તેમણે ઝેરી દવા પી લીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું.

લીલિયા (દાડમા): લીલિયા મોટા વિસ્તારના દાડમા ગામે રહેતા 30 વર્ષીય મહેશ આસોદરાને ઘરકામ બાબતે પત્ની સાથે બોલાચાલી થઈ હતી. આથી મનમાં લાગી આવતાં તેમણે પોતાની વાડીએ જઈને ઝેરી દવા પી લીધી હતી. સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું.

દામનગર (ધુફણીયા): દામનગર નજીકના ધુફણીયા ગામની વાડીમાં મજૂરી કરતા પરિવારની 17 વર્ષીય દીકરીને ભાઈ સાથે નવા કપડાં ખરીદવા બાબતે બોલાચાલી થઈ હતી. આ નાના ઝઘડામાં ભાઈએ લાફો મારતાં સગીરાને ભારે લાગી આવ્યું હતું અને તેણે ગુસ્સામાં આવીને અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો હતો. સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું.