અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજ કરંટથી ભાઈ-બહેનનું મોત થયું છે. ભુપતભાઈ ગજેરાની વાડીમાં ખેત મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારના 21 વર્ષીય રાજુભાઈ કચરાભાઇ ભાભોર અને તેની 16 વર્ષીય બહેનનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાડીની ઓરડીમાં લાઇટ અને પંખા માટે વાયરિંગ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલાં પવન અને વરસાદને કારણે આ વાયરિંગનો પ્રવાહ ઝટકા મશીનના વાયર સાથે અડી ગયો હતો, જેનાથી ઓરડીમાં વીજ પ્રવાહ ફેલાઈ ગયો હતો. આ અંગે મજૂર ભાઈ-બહેન કે તેમના પરિવારજનોને કોઈ જાણ નહોતી.
ઘટનાના દિવસે રાજુભાઈ અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. તેમને ગંભીર હાલતમાં જોઈને બચાવવા દોડી આવેલી તેમની 16 વર્ષીય બહેન પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગઈ હતી. બંનેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં દામનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. પંચનામું કરવાની સાથે એફ.એસ.એલ. રિપોર્ટ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
એક જ પરિવારના બે યુવા સંતાનોના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. આ ઘટનાને કારણે આંબરડી અને આસપાસના પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.