અમરેલી પોલીસ SDPay અને અપના પે એપ્લિકેશન સાથે જોડાયેલા કૌભાંડની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન થયેલા ડેટા વિશ્લેષણમાં મોટો ખુલાસો થયો છે. શરૂઆતમાં એપ્લિકેશનના યુઝર્સની સંખ્યા લગભગ 3 લાખ હોવાનું મનાતું હતું, પરંતુ વધુ તપાસમાં આ આંકડો 15 લાખથી વધુ પહોંચી ગયો છે. કૌભાંડની રકમ પણ ડબલ થઈ છે – પહેલાં રૂ. 635 કરોડ હોવાનું ધારવામાં આવતું હતું, જે હવે વધીને રૂ. 1,211 કરોડ થઈ છે.
અમરેલી ASP જયવીર ગઢવીએ જણાવ્યું કે SDpay અને APNA PAY એપમાં ગુનો નોંધાયો છે. અત્યાર સુધી મળેલા ડેટા પ્રમાણે કુલ યુઝર્સની સંખ્યા 15,17,072 છે. તેમાંથી 6,52,831 યુઝર્સના સરનામાં મળ્યા છે. બાકીના યુઝર્સનું ડેટા વિશ્લેષણ ચાલુ છે. આ તમામ યુઝર્સે તેમના એકાઉન્ટમાં જમા કરેલી રકમ 1,211 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ કૌભાંડનો વ્યાપ દેશના ઘણા રાજ્યોમાં ફેલાયેલો છે, જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.
કૌભાંડની હકીકત રાજ્યભરમાં સામે આવતાં રોકાણકારો પોતાના પૈસા પાછા મેળવવા માટે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી રહ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી પીડિતો દરરોજ રૂબરૂ આવી રહ્યા છે. કચ્છના અંજારથી 18 સભ્યોએ આ એપમાં 40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમાંથી મોફા રસિક હરિભાઈ અમરેલી સાયબર ક્રાઇમ પહોંચ્યા હતા અને તેમણે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું. પૈસા કેવી રીતે રોકાણ કર્યા તે સહિતના પુરાવા પણ તેમણે પોલીસને આપ્યા હતા.
આ કૌભાંડમાં અમરેલી સાયબર ક્રાઇમની SIT ટીમે મુખ્ય આરોપી ધવલ પટેલ, હિરેન શાહ અને ભાવેશ ધાનેચા સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. ભાવેશ ધાનેચા મહારાષ્ટ્રનો રહેવાસી છે, જે રોકાણકારો સાથે ઓનલાઇન ઝૂમ મીટિંગ કરીને તેમનો વિશ્વાસ જાળવી રાખવાનું કામ કરતો હતો. તેની પૂછપરછમાં કેટલાક નવા ખુલાસા થયા છે. આ મામલે વધુ 11 શંકાસ્પદ આરોપીઓના નામ પણ સામે આવ્યા છે.
અમરેલી સિવાય અન્ય જિલ્લાઓમાં પણ ફરિયાદો નોંધાઈ છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા અને વડોદરા સહિતની પોલીસે અરજદારોની ફરિયાદના આધારે ગુના નોંધવાની કામગીરી શરૂ કરી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોના લાખો લોકોએ પોતાના રૂપિયા ગુમાવ્યા છે. પોલીસે ગુગલ ફોર્મ જાહેર કરીને ભોગ બનનારાઓને સામે આવવા અપીલ કરી છે. હાલમાં પોલીસ અન્ય યુઝર્સ અને બાકીના ડેટાનું ઝીણવટભર્યું વિશ્લેષણ દિવસ-રાત ચાલુ રાખ્યું છે. ડેટા સામે આવી રહ્યો છે તે જોતાં આગામી સમયમાં આંકડો હજુ મોટો થવાની શક્યતા છે. રોકાણકારોને પૈસા પરત મળશે કે નહીં, તે આવનારો સમય જ બતાવશે.