સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીમાં બીજા દિવસે પણ વરસાદ: સાવરકુંડલા, ખાંભા ગીર અને લાઠીમાં મેઘમહેર

અમરેલીમાં બીજા દિવસે પણ વરસાદ: સાવરકુંડલા, ખાંભા ગીર અને લાઠીમાં મેઘમહેર

અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા, ખાંભા ગીર, રાજુલા અને લાઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના અનેક ગામડાંમાં સારો વરસાદ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ખાંભા ગીરના અનિડા ગામની સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા હતા. છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદથી કપાસ, મગફળી અને ડુંગળી સહિતના પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.

સાવરકુંડલા તાલુકામાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. મોટા ભમોદરા, બોરાળા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વીજપડી, ખડસલી, મેવાસા, શેલણા અને મોટા ભમોદરા સહિતના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી હતી.

ખાંભા ગીરના અનિડા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ઇંગોરાળા, અનિડા, કોટડા અને મોટા સમઢીયાળા ગામમાં વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. અનિડા ગામની સ્થાનિક નદીમાં નવા નીર આવતાં ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી.

રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હતો. મોટા આગરીયા, વાવેરા, ગોવિંદડી, ભાક્ષી અને ધારેશ્વર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. સતત વરસાદથી ખેતી માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે.

લાઠી તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાઠીના દામનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડતાં રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યું હતું. લીલીયા તાલુકાના ગુંદરણ સીમ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો.

અમરેલી જિલ્લામાં વરસેલા વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને કપાસ, મગફળી અને ડુંગળીના પાક માટે આ વરસાદ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સતત બીજા દિવસે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં ખેતી માટે પાણીની જરૂરિયાતમાં પણ રાહત મળવાની આશા છે.

દરમિયાન, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક અને ભારે વરસાદની આગાહી કરી છે. હાલ રાજ્યમાં લો-પ્રેસર, અપર એર સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ એમ ત્રણ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થતાં શનિવારથી ત્રણ દિવસ માટે રાજ્યમાં 'યલો' અને 'ઓરેન્જ' એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.