અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગે અમરેલી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના 23 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
સાવરકુંડલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ઘોબા, પીપરડી, મોટા ભમોદ્રા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા છે.
ધારી અને ગીર પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. ધારી શહેર તેમજ હુડલી, મોરઝર, ગરમલી સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો છે.
વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળી જેવા પાકોને આ વરસાદથી ફાયદો થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ, સાંજે 4 વાગ્યા સુધી અમરેલી સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.