સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીના ગોદડા અમેરિકા સુધી: હંસાબેનની રીલ વાઇરલ, 5 દેશોમાંથી ઓર્ડર, 10 લાખથી વધુનું વેચાણ

અમરેલીના ગોદડા અમેરિકા સુધી: હંસાબેનની રીલ વાઇરલ, 5 દેશોમાંથી ઓર્ડર, 10 લાખથી વધુનું વેચાણ

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના તાજપર ગામની હંસાબેન દાનસંગભાઈ રાઠોડે પોતાના પિયરથી મળેલા ગોદડાની એક રીલ સોશિયલ મીડિયા પર શેર કરી. આ નાનકડા પ્રયાસે તેમના વ્યવસાયને નવી ઊંચાઈ આપી દીધી છે. છ મહિના પહેલા શરૂ થયેલા આ વ્યવસાયમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુના ગોદડા વેચાઈ ગયા છે.

હંસાબેનના જણાવ્યા મુજબ, શરૂઆતમાં તેઓ ભજનના વીડિયો બનાવતા હતા, જેમાં તેમના પુત્ર સંજય મદદ કરતા હતા. બાદમાં તેમણે પિયરથી મળેલા ગોદડાની રીલ બનાવીને શેર કરી. આ રીલ વાઇરલ થતાં પહેલો ઓર્ડર સુરતથી મળ્યો. ત્યારબાદ ગ્રાહકો દ્વારા આ માહિતી આગળ વધતાં દેશ-વિદેશમાંથી ઓર્ડર આવવા લાગ્યા.

હંસાબેનના ઘરે તૈયાર થતા હાથ બનાવટના ગોદડા હવે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓમાન અને દુબઈ સહિતના દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે. વિદેશમાં પણ ગ્રાહકો તરફથી ગોદડાની પ્રશંસા થઈ રહી છે અને અત્યાર સુધી કોઈ ગોદડું પરત આવ્યું નથી.

આ વ્યવસાયની સૌથી મોટી વિશેષતા એ છે કે હંસાબેન પોતે જ કમાણી નથી કરી રહ્યાં, પરંતુ ગામની અન્ય મહિલાઓ માટે પણ રોજગારીનું માધ્યમ બન્યાં છે. હાલ તાજપરની આશરે 20થી 25 મહિલાઓ ગોદડા બનાવવાના કામ સાથે જોડાયેલી છે. મહિલાઓને તેમની અનુકૂળતા પ્રમાણે ઘરે પણ કામ આપવામાં આવે છે. ખેતીનું કામ ઓછું હોય ત્યારે તેઓ ગોદડા બનાવીને આવક મેળવે છે. એક મહિલાને ગોદડા બનાવવાના કામ બદલ આશરે 300થી 600 રૂપિયા સુધીની મજૂરી મળે છે.

હંસાબેનના જણાવ્યા મુજબ, દરરોજ આશરે 9થી 15 ગોદડા તૈયાર થાય છે. ગોદડું તૈયાર કરવા માટે સફેદ કાપડ, લાલ રંગની કાની, કોટન સહિતની સામગ્રીની જરૂર પડે છે. એક ગોદડું તૈયાર કરવામાં આશરે રૂ.1100નો ખર્ચ થાય છે, જ્યારે કુરિયર ખર્ચ સહિત રૂ.1800માં ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે.

ગોદડાના વ્યવસાય પહેલાં હંસાબેન ભરતકામ કરીને પર્સ બનાવવાનું કામ કરતા હતા. પિયરથી મળેલા ગોદડાએ તેમના વ્યવસાયની દિશા બદલી નાખી. તાજપર ગામની રંભાબેન ભરતભાઈ પરમાર સહિતની મહિલાઓ પણ આ કામથી ખુશ છે. તેમના જણાવ્યા મુજબ, હંસાબેન એક ગોદડાની ₹300 મજૂરી આપે છે. ખેતીકામની સાથે ગોદડાનું કામ મળવાથી ગામની મહિલાઓને વધારાની આવકનો સ્ત્રોત મળ્યો છે.

નાનકડા તાજપર ગામમાં તૈયાર થતા પરંપરાગત હાથ બનાવટના ગોદડાને સોશિયલ મીડિયાના માધ્યમથી વૈશ્વિક બજાર મળ્યું છે. એક મહિલાના સાદા પ્રયાસથી શરૂ થયેલો આ વ્યવસાય આજે અનેક મહિલાઓને રોજગાર આપી રહ્યો છે અને ગામની કારીગરીને અમેરિકા સહિતના દેશો સુધી પહોંચાડી રહ્યો છે.