અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ભયનો માહોલ સર્જનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત થયું છે. વનવિભાગે સિંહણને પાંજરે પૂરી હતી, જોકે ત્યારબાદ તેનું મોત થતાં વનવિભાગની કામગીરી અને મૃત્યુના કારણ અંગે પ્રશ્નો ઊભા થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, સિંહણના વર્તનમાં અસામાન્યતા જોવા મળી હતી અને તેમાં હડકવાના લક્ષણો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. મામલાની હકીકત જાણવા વનવિભાગે સિંહણના વર્તન અને અન્ય જરૂરી સેમ્પલ લીધા છે. સેમ્પલના પરીક્ષણ બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે.
સિંહણના મોતથી વનવિભાગની ચિંતા વધી છે. ખાસ કરીને છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ સિંહણના મોતની ઘટનાઓ સામે આવી હોવાથી આ મામલો ગંભીર બન્યો છે. વનવિભાગે મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
અગાઉ અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને બાબરકોટ સહિતના વિસ્તારોમાં સિંહો અને સિંહણની માનવ વસાહત તરફની અવરજવર તથા લોકો સાથેના ઘર્ષણની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વડિયાની આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
હાલમાં વનવિભાગ સિંહણના સેમ્પલના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ સિંહણને હડકવા સહિતની કોઈ બીમારી હતી કે નહીં અને મોતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ સ્પષ્ટતા થશે.